
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગર અને પાટણ જિલ્લાના ધારપુર ખાતે MRI સેન્ટર શરૂ થતાં દર્દીઓને મળશે આધુનિક નિદાન સુવિધા

માહિતી બ્યુરો, પાટણ
તા.૧૪/૧૦/૨૦૨૬
સમાચાર સંખ્યા: ૬૮૪/૪૦
રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા અને નાગરિકોને આધુનિક તબીબી સુવિધાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવવાના હેતુથી આજે મહેસાણા જિલ્લાના વડનગર અને પાટણ જિલ્લાના ધારપુર સ્થિત જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે MRI સેન્ટરનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનસેરીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ સુવિધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતાં આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું જન્મસ્થળ અને વતન એવા વડનગર તેમજ પાટણ જિલ્લાના ધારપુર ખાતે આધુનિક આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ થવું એ ગૌરવની બાબત છે. અગાઉ MRI તપાસ માટે દર્દીઓને અમદાવાદ સહિતનાં મોટાં શહેરોમાં જવું પડતું હતું, જેના કારણે સમય અને નાણાંનો વધારાનો ખર્ચ થતો હતો. હવે આ બંને સ્થળોએ MRI સેન્ટર શરૂ થવાથી સ્થાનિક દર્દીઓને મોટી રાહત મળશે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રે સતત નવીન સુવિધાઓનો ઉમેરો કરી રહી છે. રાજ્યની ૧૪ મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં કુલ રૂ. ૧૭૮.૫૪ કરોડના ખર્ચે MRI સુવિધા વિકસાવવાના પ્રોજેક્ટ અંતર્ગત આજે બે સ્થળોએ MRI સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પહેલથી નાગરિકોને અદ્યતન નિદાન સુવિધાઓ નજીકમાં ઉપલબ્ધ બનશે.
ધારપુર ખાતે કાર્યરત કરવામાં આવેલું ૧.૫ ટેસ્લા ક્ષમતાનું વાઇડ-બોર MRI મશીન દર્દીઓ માટે વધુ અનુકૂળ રહેશે. પરંપરાગત MRI મશીનમાં સાંકડી જગ્યા હોવાને કારણે કેટલાક દર્દીઓને અસ્વસ્થતા અનુભવાતી હોય છે, ત્યારે વાઇડ-બોર મશીનમાં વધુ જગ્યા ઉપલબ્ધ હોવાથી તપાસ વધુ સુગમ બનશે. ખાસ કરીને બ્રેઇન સ્ટ્રોક, મગજ, કરોડરજ્જુ, હાડકાં અને કમર સંબંધિત વિવિધ સમસ્યાઓના સચોટ નિદાનમાં આ સુવિધા ઉપયોગી સાબિત થશે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખાનગી કેન્દ્રોમાં MRI તપાસ માટે અંદાજે રૂ. ૩,૦૦૦થી રૂ. ૧૦,૦૦૦ સુધીનો ખર્ચ થતો હોય છે. સરકારી આરોગ્ય વ્યવસ્થામાં આ સુવિધા ઉપલબ્ધ થવાથી દર્દીઓનો આર્થિક બોજ ઘટાડવામાં મદદ મળશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ પાત્રતા અને યોજનાના પ્રવર્તમાન નિયમો અનુસાર લાભાર્થીઓને પણ આરોગ્ય સેવાઓનો લાભ મળી શકશે. MRI તપાસથી તબીબોને રોગનું સચોટ નિદાન કરવામાં મદદ મળશે, જેના પરિણામે દર્દીઓને સમયસર અને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવી શકાશે.
ધારપુર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવિકભાઈ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી વિષ્ણુભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારશ્રી રમેશભાઈ સિંધવ, ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
વડનગર અને ધારપુર ખાતે MRI સેન્ટરની શરૂઆતથી ઉત્તર ગુજરાતમાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને આધુનિક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.










