વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ગુજરાતમાં ગાંજાનો જથ્થો લાવી સપ્લાય કરવાના કથિત નેટવર્ક સામે નવસારી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઓડિશાથી ગુજરાતમાં ગાંજો લાવવામાં આવતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે બે શખ્સોને ઝડપી પાડી કુલ ₹8,91,970નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે અન્ય ત્રણ શખ્સો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
નવસારી SOGને મળેલી બાતમી મુજબ, ઓડિશાના બે શખ્સો સફેદ રંગની ગુજરાત ટ્રાવેલ્સ બસ નંબર AR-11-E-0022માં અલગ-અલગ બેગમાં ગાંજો લઈને અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. આ બાતમીના આધારે SOGની ટીમે સીસોદ્રા ઓવરબ્રિજ પાસે કટારિયા શોરૂમની સામે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બસમાંથી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 17.187 કિલોગ્રામ ગાંજો, જેની કિંમત ₹8,59,350 હોવાનું જણાવાયું છે, તે કબજે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બે બેગ, મોબાઇલ ચાર્જર, રિયલમી કંપનીનો મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ₹8,91,970નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ઝડપાયેલા આરોપીઓનાં નામ ચંદન કાલુ જેના (ઉંમર 20 વર્ષ) અને શંકર બિજય (ઉંમર 23 વર્ષ) છે. બંને ઓડિશાના ગંજામ જિલ્લાના રહેવાસી હોવાનું જણાવાયું છે. આ મામલે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં NDPS અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર જીવન નામનો શખ્સ, શરણ નામનો શખ્સ તથા સુરતના ગણેશ પેટ્રોલપંપ પાસે જથ્થો લેવા આવનાર એક અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે. નવસારી SOGના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જી. વસાવા સહિતની ટીમે આ કામગીરી કરી હતી. હવે પોલીસ તપાસમાં ગાંજાના સપ્લાયના નેટવર્ક અને તેમાં સંડોવાયેલા અન્ય શખ્સો અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.









