MORBI:મોરબી મહાપાલિકાની સામાન્ય સભામાં તહેવારોમાં પણ અંધારું: લેખિત રજૂઆતો છતાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતાં કોર્પોરેટરોએ તંત્રને આડે હાથ લીધું


મોરબી મહાનગરપાલિકાનું બોર્ડ વિકાસના કામો કરવા મળે છે કે પછી માત્ર ઔપચારિકતાઓ અને નામકરણ કરવા માટે? તેવા ઉઠેલા સવાલો વચ્ચે ગુરુવારે સવારે ૧૧:૦૦ કલાકે મુખ્ય કચેરીના મિટિંગ હોલમાં યોજાયેલી સામાન્ય સભા અપેક્ષા મુજબ તોફાની બની રહી હતી. તંત્ર દ્વારા માત્ર માર્ગ અને સર્કલના નામકરણના એજન્ડા સાથે બેઠક આટોપી લેવાનો તખ્તો ઘડાયો હતો, પરંતુ શહેરમાં વણસેલી સ્ટ્રીટ લાઇટની સમસ્યા, અઢી વર્ષથી અટકેલી બિલ્ડિંગ પરમિશન, હજારો પેન્ડિંગ ઇમ્પેક્ટ ફી અરજીઓ અને ઇંધણ ખર્ચના મુદ્દે ભાજપના જ શાસક પક્ષના કોર્પોરેટરોએ પોતાની જ મહાપાલિકાના અધિકારીઓ સામે તીખા સવાલોનો મારો ચલાવી તંત્રને બરાબરનું ભીંસમાં લીધું હતું.

નામકરણના એજન્ડાથી શરૂઆત, લોકપ્રશ્નો – પર અધિકારીઓ ઘેરાયા સામાન્ય સભામાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા ઉપરાંત ન્યુ હાઉસિંગ બોર્ડના મુખ્ય માર્ગને ‘સ્વ. પરબતભાઈ રબારી માર્ગ’ અને લીલાપર ચોકડી પાસે આવેલા સર્કલને ભારતીય સૈન્યના ભોમિયા ‘રણછોડદાસ પગી સર્કલ’ નામ આપવાની દરખાસ્તો મૂકવામાં આવી હતી. અગાઉ ગત ૨ ઓક્ટોબરનું ખાસ બોર્ડ માત્ર પાંચ મિનિટમાં આટોપી લેવાયું હતું અને આ વખતે પણ માત્ર નામકરણની ઔપચારિકતા જ હોવાથી શહેરીજનોમાં ભારે કચવાટ હતો. જોકે, બેઠક શરૂ થતાં જ કોર્પોરેટરોએ શહેરના સળગતા પ્રશ્નો આગળ ધરી તંત્રના અધિકારીઓની ઉંઘ હરામ કરી દીધી હતી.૧. તહેવારોમાં અંધારપટ: લાઇટ શાખા સામે જનપ્રતિનિધિઓ લાલઘૂમ નવરાત્રિ અને દિવાળી જેવા મોટા તહેવારો ટાણે મોરબીના મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં બંધ પડેલી સ્ટ્રીટ લાઇટોનો મુદ્દો સભામાં મુખ્ય કેન્દ્ર બન્યો હતો.

અધિકારીઓ ફોન ઉપાડતા નથી: કોર્પોરેટરોએ રોષ ઠાલવ્યો હતો કે લાઇટ વિભાગના વડા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના ફોન રિસીવ કરવાની પણ તસ્દી લેતા નથી.કાગળ પર ૮૦૦ ફરિયાદોનો નિકાલ? બેઠકમાં અધિકારીઓએ ૮૦૦ ફરિયાદો ઉકેલાઈ હોવાનો દાવો કરતાં સભ્યો ભડક્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે, “જો કામ થયું હોય તો રસ્તાઓ પર અંધારું કેમ છે? આ કામગીરી માત્ર કાગળ પર છે કે જમીન પર તેની તપાસ થવી જોઈએ.”તહેવારોમાં એક પણ લાઈટ બંધ ન રહેવી જોઈએ: વોર્ડ નં. ૧૨ના કોર્પોરેટર શીતલબેન સાગરભાઈ વઘાડિયાએ સ્પષ્ટ માંગ કરી હતી કે તહેવારોમાં લોકોની અવરજવર વધુ હોવાથી એક પણ લાઈટ બંધ રહેવી ન જોઈએ. સ્થિતિ વણસતાં ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ માઇક હાથમાં લઈ મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો, પરંતુ સભ્યોએ તેને માત્ર તંત્રનો બચાવ ગણાવી ફગાવી દીધો હતો.

૨. અઢી વર્ષમાં એક પણ બિલ્ડિંગ પરમિશન નહીં: ભૂપતભાઈ જારીયા – કોર્પોરેટર ભૂપતભાઈ જારીયાએ શહેરના રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રની લાપરવાહી મુદ્દે તંત્રને આડે હાથ લીધું હતું:વિકાસ કેવી રીતે થશે? તેમણે વેધક પ્રશ્ન કર્યો કે, અઢી વર્ષના સમયગાળામાં બાંધકામની નવી મંજૂરીઓ કેમ અટકી પડી છે? મંજૂરીઓ ન મળતાં બિલ્ડરો સાથે હજારો શ્રમિકો અને નાના વેપારીઓની રોજીરોટી છીનવાઈ રહી છે.૪,૦૦૦થી વધુ ઇમ્પેક્ટ ફી અરજીઓ પેન્ડિંગ: શહેરમાં ઇમ્પેક્ટ ફી અંતર્ગત નિયમિત થવા આવેલી ૪,૦૦૦થી વધુ અરજીઓ લાંબા સમયથી ધૂળ ખાઈ રહી હોવાથી તેનો તાકીદે નિકાલ કરવાની ઉગ્ર માંગ કરાઈ હતી.

૩. ઇંધણ ખરીદી અને પીએમ આવાસ અંગે કેયુર પંડ્યાના આકરા પ્રહાર – ભાજપના જ કોર્પોરેટર કેયુરભાઈ પંડ્યાએ વહીવટી પારદર્શિતા અને નાણાકીય હિસાબો માગી અધિકારીઓને નિરુત્તર કર્યા હતા:ડીઝલ-પેટ્રોલ ટેન્ડર પ્રક્રિયા: મનપાનાં વાહનોમાં વપરાતું ઇંધણ ક્યાંથી અને કયા ભાવે ખરીદાય છે? ટેન્ડર પ્રક્રિયા કેવી છે અને તે સીધું પંપ પરથી ભરાય છે કે સ્ટોરેજના આધારે વપરાય છે તેનો સંપૂર્ણ હિસાબ માંગ્યો હતો.પીએમ આવાસ અને વોર્ડ નં. ૦૬: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેટલી અરજીઓ મંજૂર થઈ, કેટલા આવાસો બાકી છે અને અત્યાર સુધી થયેલા ખર્ચની વિગતો તેમજ વોર્ડ નં. ૦૬માં મંજૂર અને પૂર્ણ થયેલા વિકાસ કામોનો હિસાબ સભાના પટલ પર મુકવા રજૂઆત કરી હતી.

માત્ર નામકરણના નામે ઔપચારિકતા પૂર્ણ કરવા બોલાવાયેલી બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પ્રજાના પક્ષે અવાજ ઉઠાવી અધિકારીઓની પોલ છતી કરી દીધી હતી. હવે મહાપાલિકાનું તંત્ર માત્ર આંકડાકીય જવાબો આપીને બચાવ કરે છે કે વાસ્તવિક ધરાતલ પર અંધારપટ દૂર કરી ફાઇલોનો નિકાલ લાવે છે, તેના પર સમગ્ર મોરબીવાસીઓની મીટ મંડાયેલી છે.













