MORBI:ગાંધીનગરમાં ખેડૂતોના આંદોલનને મળ્યું ઉમિયાધામ સિદસરનું સમર્થન: સરકાર સાથે મધ્યસ્થી કરવા ટ્રસ્ટીઓ તૈયાર, સર્વસમાજના પ્રતિનિધિઓ કરશે રજૂઆત

ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલન ચલાવી રહેલા ખેડૂત આગેવાનો અને ઉમિયાધામ સિદસર સંસ્થા વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. રાજ્યભરના તમામ સમાજ અને સામાજિક સંસ્થાઓને એક મંચ પર લાવીને વિશાળ ‘ખેડૂત મહાપંચાયત’ તથા ‘મહાશક્તિ પ્રદર્શન’ કરવાની તૈયારીઓ વચ્ચે ખેડૂત આગેવાનો ઉમિયાધામ સંસ્થાના શરણે પહોંચ્યા હતા.

આ બેઠકમાં ઉમિયાધામ સિદસરના ટ્રસ્ટીઓએ ખેડૂતોની ન્યાયી માંગણીઓને સંપૂર્ણ સમર્થન આપતાં સરકાર સાથે મધ્યસ્થી કરવાની તત્પરતા દર્શાવી હતી. ટ્રસ્ટીઓએ ખેડૂત આગેવાનોને આશ્વાસન આપ્યું હતું કે સરકાર પણ ખેડૂતોના પ્રશ્નો અને પડકારોને સાંભળવા માટે ઉત્સુક છે. આથી, આગામી દિવસોમાં ઉમિયાધામના ટ્રસ્ટીઓ અને સત્યાગ્રહ છાવણીના ખેડૂત પ્રતિનિધિઓ સંયુક્ત રીતે ગાંધીનગર ખાતે સરકાર સમક્ષ ઉપસ્થિત થઈ ખેડૂતોના પ્રશ્નોની મૌખિક તેમજ મુદ્દાસર સચોટ રજૂઆત કરશે.
ખેડૂત આગેવાનોએ આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આ રજૂઆત માત્ર સત્યાગ્રહ છાવણી કે ચોક્કસ જિલ્લાના ગણ્યા-ગાંઠ્યા આગેવાનો પૂરતી સીમિત રહેશે નહીં. ગુજરાતના અંદાજે ૫૬ લાખ ખેડૂતોના હિત અને અવાજને વાચા આપવા માટે રાજ્યના તમામ વિસ્તારોમાંથી, સર્વ સમાજ અને દરેક જ્ઞાતિના ખેડૂત પ્રતિનિધિઓને સાથે રાખીને સરકાર સમક્ષ એકતા સાથે રજૂઆત કરવામાં આવશે.













