MORBI:મોરબીના ન્યૂ ચંદ્રેશનગરમાં ઉમિયા ગરબી મંડળ દ્વારા ૧૬ વર્ષથી પરંપરાગત નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી: સંસ્કૃતિ અને દેશભક્તિનો અનોખો સંગમ


મોરબી:આજના આધુનિક અને ડીજે-વેસ્ટર્ન યુગમાં પણ મોરબીના ન્યૂ ચંદ્રેશનગરમાં ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરાને જીવંત રાખતો અનોખો નવરાત્રિ મહોત્સવ યોજાઈ રહ્યો છે. અહીં ન્યૂ ચંદ્રેશનગરમાં ‘ઉમિયા ગરબી મંડળ’ દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી અવિરતપણે પ્રાચીન અને પરંપરાગત ગરબીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.

આ આયોજનનો મુખ્ય હેતુ નવી પેઢીને પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવથી દૂર રાખી ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ઉચ્ચ સંસ્કારો સાથે જોડવાનો છે. દરરોજ રાત્રે મા જગદંબાની ભાવપૂર્ણ સ્તુતિ અને મહાઆરતી સાથે ગરબીનો શુભારંભ થાય છે. ત્યારબાદ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ નાની-નાની બાળાઓ પ્રાચીન રાસ-ગરબાની રમઝટ બોલાવી ઉપસ્થિત સૌ ભાવિકોને મંત્રમુગ્ધ કરી દે છે.

આ ગરબી મંડળની વિશેષતા એ છે કે અહીં માત્ર માતાજીની આરાધના જ નહીં, પરંતુ દેશભક્તિનાં ગીતોનો પણ સમાવેશ કરવામાં આવે છે. ધાર્મિક આસ્થાની સાથે રાષ્ટ્રપ્રેમનો ભાવ જાગૃત કરતી આ અનોખી પહેલને કારણે અહીં ધર્મ, સંસ્કૃતિ અને દેશભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે.

છેલ્લા ૧૬ વર્ષથી એકધારી પરંપરા જાળવી રાખનાર ઉમિયા ગરબી મંડળના આયોજકો અને સ્થાનિક અગ્રણીઓના ઉત્સાહભેર સહયોગથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય અને ઉત્સાહભર્યો માહોલ સર્જાયો છે. આ પ્રાચીન ગરબી ન માત્ર ન્યૂ ચંદ્રેશનગર પરંતુ સમગ્ર મોરબી પંથકમાં સંસ્કૃતિ રક્ષણનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.













