MORBI:મોરબીમાં જાહેરનામાનો ભંગ કરનાર સ્પા સેન્ટર પર પોલીસની તવાઈ: ‘વેલકમ સ્પા’ના સંચાલકની અટકાયત

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા તેમજ સ્પા સેન્ટરોની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાના નિયમોનું ઉલ્લંઘન કરનારા સ્પા સંચાલકો સામે મોરબી પોલીસે કડક વલણ અપનાવ્યું છે, જેના ભાગરૂપે ‘વેલકમ સ્પા’ના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેની અટકાયત કરવામાં આવી છે.

વિગતો મુજબ, મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) ની ટીમ દ્વારા જૂના ઘૂંટુ રોડ પર, ત્રાજપર ખારીના નાકે આવેલા ‘શિવશક્તિ કોમ્પલેક્ષ’ના પ્રથમ માળે ધમધમતા ‘વેલકમ સ્પા’માં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે સ્પા સંચાલકે ત્યાં કામ કરતી બે મહિલા વર્કરોના નિયમ મુજબના બાયોડેટા ફોર્મ ભરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા નહોતા. આ ઉપરાંત સ્પામાં સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ પણ નિયત માર્ગદર્શિકા મુજબ જાળવવામાં આવ્યું ન હોવાનું બહાર આવ્યું હતું.
જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના સીધા ઉલ્લંઘન બદલ SOG કોન્સ્ટેબલ રમેશભાઈ રાજાભાઈ મુંધવા દ્વારા મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસે ફરિયાદના આધારે સ્પા સંચાલક શરદકુમાર ધર્મેન્દ્રભાઈ ભોરણીયા (ઉં.વ. ૨૭, રહે. સંત કબીર રોડ, રાજકોટ) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-૨૨૩ હેઠળ ગુનો નોંધી ઘટનાસ્થળેથી જ તેની અટકાયત કરી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી વધુ તપાસ હાથ ધરી છે.













