MORBI:મોરબી સામાકાંઠે શક્તિ ચેમ્બરમાં હાર્ડવેરની દુકાનમાં ભીષણ આગ ભભુકી

MORBI:મોરબી સામાકાંઠે શક્તિ ચેમ્બરમાં હાર્ડવેરની દુકાનમાં ભીષણ આગ ભભુકી

મોરબીના સામાકાંઠે લાલપર નજીક નેશનલ હાઇવે પર આવેલા શક્તિ ચેમ્બરમાં આજે સાંજના સમયે એક હાર્ડવેરની દુકાનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. સિરામિક ટ્રેડિંગ સહિતના અનેક વ્યવસાયો ધરાવતા આ કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટનાથી આસપાસના વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો.

મળતી વિગતો મુજબ, શક્તિ ચેમ્બરના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ‘પાટીદાર હાર્ડવેર’ નામની દુકાનમાં સાંજે આશરે 5:30 વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આખી દુકાનને લપેટમાં લઈ લીધી હતી અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડવા લાગ્યા હતા.

બનાવની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ સતત 2 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો તેમજ રાત્રે 8 વાગ્યા સુધી કૂલિંગની કામગીરી ચાલુ રાખી હતી.

નોંધનીય છે કે, જે હાર્ડવેરની દુકાનમાં આગ લાગી હતી તેની બરાબર બાજુની દીવાલને અડીને જ IDFC ફર્સ્ટ બેંક આવેલી છે. જોકે ફાયર વિભાગની ત્વરિત કામગીરીને પગલે આગ બેંક સુધી પ્રસરતા અટકી ગઈ હતી અને એક મોટો અકસ્માત ટળ્યો હતો. સામાન્ય દિવસોમાં ધમધમતી રહેતી આ પાટીદાર હાર્ડવેરની દુકાન આજે કોઈ કારણોસર બંધ હોવાથી સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી, જેથી સ્થાનિકો અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આગના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.

54
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો