MORBI:મોરબી સ્ટેટના રાજમાતા વિજયાકુંવરબા સાહેબનું 97 વર્ષની વયે દુઃખદ નિધન: કાલે સવારે ન્યૂ પેલેસ ખાતે અંતિમ દર્શન, સમગ્ર મોરબીમાં શોકનું મોજું

મોરબી સ્ટેટના આદરણીય રાજમાતા વિજયાકુંવરબા સાહેબનું 97 વર્ષની વયે અવસાન થતાં સમગ્ર મોરબી પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કરતાં સ્થાનિક ધારાસભ્ય અને અગ્રણી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના સમસ્ત નાગરિકો અને વેપારીઓને રવિવારે સ્વયંભૂ ધંધા-રોજગાર બંધ રાખી દિવંગત રાજમાતાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભાવુક અપીલ કરી છે.

શિક્ષણ અને જીવદયા ક્ષેત્રે અવિસ્મરણીય પ્રદાન – રાજમાતા સાહેબના પ્રજાલક્ષી કાર્યો અને મોરબી પ્રત્યેના લગાવને વાગોળતાં કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, “રાજમાતા સાહેબે આખી જિંદગી મોરબીને અપાર પ્રેમ આપ્યો છે. ખાસ કરીને શિક્ષણ અને મૂંગા પશુઓના કલ્યાણ માટે તેમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. મોરબી પાંજરાપોળ માટે અંદાજે 4500 વીઘા જમીન તેમની જ દેન છે. તેઓ ભલે મોરબીથી દૂર રહેતા હતા, પરંતુ ટેલિફોન દ્વારા સતત મોરબીના શિક્ષણ, આરોગ્ય અને પશુધનની સુખાકારી વિશે પૃચ્છા કરી ચિંતા વ્યક્ત કરતા હતા.”
અંતિમ દર્શન અને – સ્મશાન યાત્રાનો કાર્યક્રમ રાજમાતા સાહેબના પાર્થિવ દેહને મુંબઈથી મોરબી લાવવામાં આવી રહ્યો છે. તેમના અંતિમ સંસ્કાર સંદર્ભે કાર્યક્રમ નીચે મુજબ રહેશે:અંતિમ દર્શન: રવિવારે સવારે 8:30 વાગ્યે, ન્યૂ પેલેસ (મોરબી) ખાતે.સ્મશાન યાત્રા: રવિવારે સવારે 10:00 વાગ્યે, ન્યૂ પેલેસથી નીકળશે.સ્વયંભૂ બંધ પાળી શ્રદ્ધાંજલિ આપવા અપીલ
કાંતિભાઈ અમૃતિયાએ મોરબી જિલ્લાની સમસ્ત જનતા અને ખાસ કરીને વેપારી વર્ગને વિનંતી કરી છે કે રાજમાતા સાહેબના ઋણને યાદ કરી, આવતીકાલે પોતાના તમામ વેપાર-ધંધા સ્વયંભૂ બંધ રાખી સામુહિક શોક પાળે તેમજ તેમની સ્મશાન યાત્રામાં જોડાઈને આદરપૂર્વક અંતિમ વિદાય આપે.












