MORBI:મોરબીના રાજમાતા વિજયાકુંવરબા સાહેબની શાહી પરંપરા મુજબ અંતિમયાત્રા નીકળી

મોરબીના આદરણીય રાજમાતા વિજયાકુંવરબા સાહેબને અંતિમ વિદાય આપવા માટે સમગ્ર મોરબી પંથક ભારે હૈયે ઉમટી પડ્યો છે. રાજપરિવારની પરંપરા મુજબ ન્યુ પેલેસ ખાતેથી રાજમાતાની શાહી અંતિમયાત્રાનો પ્રારંભ થયો છે. રાજમાતાના અવસાનથી સમગ્ર પંથકમાં ઊંડા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

રાજમાતાના અંતિમ દર્શન કરી અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ, વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ તેમજ હજારો નગરજનો આ અંતિમયાત્રામાં જોડાયા છે. માર્ગો પર માનવ મહેરામણ છલકાયો છે અને પ્રજાજનોની આંખોમાં રાજમાતા પ્રત્યેનો અપાર આદર અને સ્નેહ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
અગાઉ જાહેર કરાયેલા રૂટ અનુસાર, ભારે જનમેદની વચ્ચે અંતિમયાત્રા ન્યુ પેલેસથી નીકળીને એલ.ઈ. કોલેજ, નટરાજ ફાટક (વાઘજીબાપુના બાવલા)થી પુલ પર થઈને મહેન્દ્ર ડ્રાઈવ રોડ, દરબારગઢ, ગ્રીન ચોક અને નેહરુ ગેટ તરફ આગળ વધી રહી છે. ત્યાંથી ગેસ્ટ હાઉસ રોડ, શક્તિ ચોક અને વીસી ફાટક થઈને યાત્રા રાજપરિવારના સ્મશાન ખાતે પહોંચશે.
સ્મશાન ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન અને રાજપૂતાના શાહી પરંપરા મુજબ રાજમાતા વિજયાકુંવરબા સાહેબના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.













