MORBI:દિવાળી પૂર્વે મોરબી પોલીસનો સપાટો: મચ્છુ કાંઠે વિદેશી દારૂના કટિંગ પર LCB-બી ડિવિઝનની રેઇડ, ₹૮૧.૧૧ લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી:આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને મોરબી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા પોલીસ દ્વારા હાથ ધરાયેલી ખાસ ડ્રાઇવ અંતર્ગત પોલીસને મોટી સફળતા સાંપડી છે. મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) અને સીટી બી-ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મચ્છુ નદીના કાંઠે ચાલતા વિદેશી દારૂના કટિંગ પર તવાઈ બોલાવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ટ્રક, ટ્રેક્ટર, બાઇક અને વિદેશી દારૂ-બિયર સહિત કુલ ₹૮૧,૧૧,૨૮૮/- નો જંગી મુદ્દામાલ કબ્જે.

રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલની સૂચના મુજબ એલસીબી પીઆઈ એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મોરબી વીસીપરા નજીક અમરેલી રોડ પર આવેલ ઈંટોના ભઠ્ઠા વાળા વાડી વિસ્તારમાં મચ્છુ નદીના કાંઠે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ટ્રકમાંથી ટ્રેક્ટર તથા મોટરસાયકલોમાં વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. પોલીસે ઘેરાબંધી કરીને એક આરોપીને દબોચી લીધો હતો, જ્યારે અન્ય આરોપીઓ અંધારા અને ભૌગોલિક સ્થિતિનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગત:પોલીસે સ્થળ પરથી મોટા પાયે દારૂ, વાહનો અને અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરી છે, જેમાં મુખ્યત્વે: વિદેશી દારૂ: ૫,૬૧૬ બોટલ (કિંમત ₹૪૧,૧૦,૨૮૮/-)(મેકડોવેલ્સ નં-૧: ૬૪૮ બોટલ, ઓલ સીઝન્સ: ૧,૪૦૪ બોટલ, રોયલ ચેલેન્જ: ૨,૬૪૦ બોટલ, ગ્રાન્ડ અફેર: ૯૨૪ બોટલ)બિયર ટીન: ૪,૬૦૮ નંગ (કિંમત ₹૫,૭૬,૦૦૦/-) આડશ સામગ્રી: ૨૮૦ નંગ બટેકાની બોરીઓ (કિંમત ₹૧,૪૦,૦૦૦/-) વાહનો તથા અન્ય સાધનો: ટાટા ટ્રક (RJ-14-GH-0333, કિંમત ₹૨૫,૦૦,૦૦૦/-), ટ્રેલર સાથેના ૩ ટ્રેક્ટર, ૪ મોટરસાયકલ અને ૧ મોબાઇલ ફોન કુલ કિંમત: ₹૮૧,૧૧,૨૮૮/- એક આરોપી ઝડપાયો, ૧૧ થી વધુ સામે ગુનો દાખલ

દરોડા દરમિયાન પોલીસે સંદિપભાઇ ભુપતભાઇ અગેચાણીયા (રહે. વીસીપરા કુંભારવાડા, મોરબી-૨) ને ઝડપી પાડ્યો છે. જ્યારે ટ્રકચાલક, રોહિત ઉર્ફે બલ્લુ બાબુભાઇ અગેચાણીયા, અક્ષય બાબુભાઇ અગેચાણીયા તેમજ ટ્રેક્ટર અને બાઇકના ચાલકો તથા દારૂ મોકલનાર સહિત ૧૨ જેટલા શખ્સો સામે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.













