ધોલપુર-લઢોડ વિસ્તારના વિદ્યાર્થીઓ બસ સુવિધાથી વંચિત, જોખમી મુસાફરી કરવા મજબૂર

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ધારોલી, માનપુરા, લઢોડ, ખુશાલપુરા, ધોલપુર સહિત પાંચથી છ ગામના વિદ્યાર્થીઓ છેલ્લા બે વર્ષથી એસ.ટી. બસની સુવિધાના અભાવે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાની રજૂઆત સામે આવી છે. બોડેલી ખાતે શાળા-કોલેજમાં અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓને બસના અભાવે લાંબા અંતર સુધી પગપાળા જવું પડે છે અથવા છકડો રિક્ષા અને ઓપન ટેમ્પો જેવા વાહનોમાં જોખમી મુસાફરી કરવાની ફરજ પડે છે. શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓએ જીવના જોખમે મુસાફરી કરવી પડે તો જવાબદાર કોણ? એક તરફ સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપવાની વાત કરે છે, ત્યારે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શાળા-કોલેજ સુધી પહોંચવા માટે પરિવહનની પાયાની સુવિધા મેળવવામાં મુશ્કેલી પડી રહી હોવાનો મુદ્દો સામે આવ્યો છે. આ ગંભીર સમસ્યાને લઈને કિસાન મોરચાના છોટાઉદેપુર જિલ્લા ઉપપ્રમુખ રાજ ચંદ્રસિંહે બોડેલી એસ.ટી. ડેપો મેનેજરને રજૂઆત કરી વિદ્યાર્થીઓ માટે વહેલી તકે બસ સેવા શરૂ કરવાની માગ કરી હતી. ડેપો મેનેજરે બસ સેવા શરૂ કરવા માટે પ્રયત્ન કરવાની ખાતરી આપી હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રી પી. સી. બરંડા સાથે પણ ટેલિફોનિક વાતચીત કરીને વિદ્યાર્થીઓની સમસ્યા અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હવે જોવાનું એ રહેશે કે એસ.ટી. તંત્ર વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર કરવા ક્યારે નક્કર પગલાં લે છે અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને સલામત મુસાફરીની સુવિધા ક્યારે મળે છે. વિદ્યાર્થીઓના હિત અને તેમના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને વહેલી તકે બસ સેવા શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માગ કરવામાં આવી રહી છે.

રિપોર્ટર તોસીફ ખત્રી

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો