અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
“મહેંદી તો વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે…” પ્રાચીન ગરબાના તાલે ખેલૈયાઓ ઝૂમ્યા
મોડાસા સહિત અરવલ્લી જિલ્લામાં નવરાત્રિનો રંગ જામ્યો, આઠમના નોરતે ગરબા મેદાનોમાં ખેલૈયાઓની ભારે ભીડ ઉમટી

અરવલ્લી : “મહેંદી તો વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે… મહેંદી રંગ લાગ્યો…!!!” જેવા પ્રાચીન ગરબાના તાલે મોડાસા શહેર સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમતા જોવા મળ્યા હતા. નવરાત્રિ મહોત્સવના આઠમ ના નોરતે વિવિધ ગરબા મેદાનોમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડતાં સમગ્ર વાતાવરણ ભક્તિ અને ઉત્સાહથી રંગાઈ ગયું હતું.
નવરાત્રિના પર્વ દરમિયાન માતાજીની આરાધના સાથે રાસગરબાની રમઝટ જામી હતી. પરંપરાગત ગરબાના સૂર અને તાલે યુવાધન સહિત નાના-મોટા સૌ કોઈ ગરબે ઘૂમ્યા હતા. રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.આધુનિક યુગમાં પણ પ્રાચીન ગરબાઓ પ્રત્યેનો લગાવ યથાવત જોવા મળ્યો હતો. “મહેંદી તો વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે…” જેવા લોકપ્રિય પરંપરાગત ગરબાએ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જગાવ્યો હતો. નવરાત્રિના આઠમના નોરતે અરવલ્લી જિલ્લો ભક્તિ, સંગીત અને ગરબાના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો.










