નેત્રંગ પોલીસે તાલુકાના આટખોલ ગામની સીમમાં રેડ કરી જુગારધામ પર કાર્યવાહી હાથ ધરી હતી. બાતમીના આધારે કરેલી રેડમાં એક જુગારી ઝડપાઈ ગયો હતો, જ્યારે પાંચ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા.

નેત્રંગ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એસ. વણઝારાની સૂચનાથી પોલીસ સ્ટાફ ચાસવડ બીટ વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમીદાર દ્વારા આટખોલ ગામની સીમમાં શેરડીના ખેતરના સેઢા ઉપર કેટલાક ઈસમો ગંજીપત્તાનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે રેડ કરતા એક ઈસમ પ્રિતેશ ધીરજ વસાવા (ઉ.વ. ૨૨, રહે. આટખોલ, તા. નેત્રંગ) ઝડપાઈ ગયો હતો. તેની અંગઝડતીમાંથી રોકડા રૂ. ૪૦૦ અને દાવ પરના રૂ. ૭૨૦ મળી કુલ રૂ. ૧૧૨૦નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
તેની પૂછપરછ કરતા ફરાર થયેલા અન્ય પાંચ જુગારીઓના નામ ખુલ્યા છે: (૧) વિનોદ પ્રતાપ વસાવા, (૨) શૈલેષ પ્રતાપ વસાવા, (૩) આકાશ અર્જુન વસાવા (ત્રણેય રહે. આટખોલ, તા. નેત્રંગ), (૪) મુકેશ વસાવા અને (૫) રાજુ વસાવા (બંને રહે. મોતિયા, તા. નેત્રંગ).
પોલીસે તમામ છ ઈસમો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.










