અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા ટાઉન પોલીસની કાર્યવાહી: વધુ પડતો અવાજ કરતી 8 બુલેટ મોટરસાઇકલ ડિટેઇન
મોડાસામાં મોડિફાઇડ સાઇલેન્સર લગાવી અવાજનું પ્રદૂષણ ફેલાવતા વાહનચાલકો સામે પોલીસની કાર્યવાહી

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં મોડિફાઇડ સાઇલેન્સર લગાવી વધુ પડતો અવાજ કરતી બુલેટ મોટરસાઇકલના ચાલકો સામે મોડાસા ટાઉન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આવી કુલ 8 બુલેટ મોટરસાઇકલ ડિટેઇન કરી મોટર વાહન અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, અરવલ્લી-મોડાસાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા તથા મોડાસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોડાસા શહેરમાં મોડિફાઇડ સાઇલેન્સર લગાવી વધુ પડતો અવાજ કરતી બુલેટ મોટરસાઇકલ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
જેના અનુસંધાને મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ચૌધરીએ તાબાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પેટ્રોલિંગ દરમિયાન આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ દરમિયાન પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એસ.એસ. મલેક પોલીસ કર્મચારીઓ સાથે નવરાત્રિના બંદોબસ્ત અંતર્ગત પેટ્રોલિંગમાં હતા, ત્યારે મોડિફાઇડ સાઇલેન્સર ધરાવતી 8 બુલેટ મોટરસાઇકલ મળી આવતાં તેમને ડિટેઇન કરવામાં આવી હતી.પોલીસે વાહનચાલકો સામે મોટર વાહન અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ મોડાસા ટાઉન પોલીસે વાહનચાલકોને પોતાના વાહનોમાં મોડિફાઇડ સાઇલેન્સર નહીં લગાવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.









