
છોટાઉદેપુર જિલ્લાના ખુટાલિયા સ્થિત પોલીસ હેડક્વાર્ટરની રિઝર્વ ઇન્સ્પેક્ટર કચેરી ખાતે વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મની માન્યતા મુજબ, ભગવાન શ્રીરામે વિજયાદશમીના દિવસે રાવણનો વધ કરીને અસત્ય પર સત્યનો વિજય મેળવ્યો હતો. આ પર્વ સત્ય, ન્યાય અને ધર્મની સ્થાપનાનું પ્રતીક માનવામાં આવે છે. આ પરંપરાને અનુસરીને દર વર્ષે વિજયાદશમીના પર્વે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના વિવિધ પોલીસ મથકો ખાતે પણ શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજાયા હતા. ખુટાલિયા સ્થિત પોલીસ હેડક્વાર્ટરની રિઝર્વ ઇન્સ્પેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ગાર્ગી જૈન અને જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પોલીસ વિભાગનાં શસ્ત્રોનું કંકુ, અક્ષત અને પુષ્પ અર્પણ કરી પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શસ્ત્રપૂજન દ્વારા પોલીસ વિભાગે કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ન્યાયની રક્ષા તથા સમાજમાં શાંતિ સ્થાપિત કરવાની પોતાની ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આમ, વિજયાદશમીના પવિત્ર પર્વે છોટાઉદેપુર પોલીસ વિભાગ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્રપૂજન કરી અસત્ય પર સત્યના વિજયનો સંદેશ આપવામાં આવ્યો હતો.

રિપોર્ટર તોસીફ ખત્રી









