વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રાયોજિત તથા બેંક ઓફ બરોડા દ્વારા સંચાલિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (RSETI), આહવા અને ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે તા. ૧૫ સપ્ટેમ્બર થી ૧૯ ઓક્ટોબર દરમિયાન આહવા ખાતે ૩૫ દિવસીય જુનિયર બ્યુટી પ્રેક્ટિશનર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ડાંગ જિલ્લાના વિવિધ વિસ્તારોની કુલ ૩૦ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
તાલીમ દરમિયાન તાલીમાર્થી બહેનોને બ્યુટી પાર્લર વ્યવસાયને લગતી વિવિધ બાબતોની નિઃશુલ્ક સૈદ્ધાંતિક તથા પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. જેમાં આઈબ્રો, વેક્સિંગ, ફેશિયલ, મેનીક્યોર, પેડિક્યોર, હેર કટિંગ, હેર સ્ટાઇલિંગ, હેર સ્પા, હેર કલર, હેર સ્ટ્રેટનિંગ, બ્રાઇડલ મેકઅપ, નાઇટ મેકઅપ, ડે મેકઅપ તથા બેઝિક મેકઅપ જેવી વિવિધ વ્યવસાયલક્ષી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમજ તાલીમ દરમિયાન માર્કેટ સર્વે ફિલ્ડ વિઝિટ નું પણ આયોજન કરવામાં આવ્યું જેના દ્વારા સક્સેસ ફુલ તાલીમાર્થી થી ધંધો ચાલુ કરવા માટે પ્રેરણા મળી.
તાલીમ પૂર્ણ થતાં પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બેંક ઓફ બરોડાના મુખ્ય પ્રબંધક અને આહવા શાખાના બ્રાંચ મેનેજર શ્રી સુરિન્દર લાલ, બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (RSETI), આહવાના ડાયરેક્ટર શ્રી અભિષેક સર્વા, RSETI ફેકલ્ટી રંજનબેન દળવી તથા સંસ્થાનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતાં.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ તાલીમાર્થી બહેનોને કૌશલ્ય વિકાસ, સ્વરોજગાર અને આવકવૃદ્ધિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. બ્યુટી પાર્લર ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલી તાલીમના આધારે બહેનો પોતાના ઘરેથી અથવા અન્ય યોગ્ય સ્થળે વ્યવસાય શરૂ કરી શકે અને આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આ તાલીમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારની બહેનોને વ્યવસાયલક્ષી કૌશલ્યથી સજ્જ કરી સ્વરોજગારની તકો ઊભી કરવી, તેમની આવકમાં વધારો કરવો તથા તેમને આત્મનિર્ભર બનાવવાનો છે.










