MORBI:મોરબીમાં કોંગ્રેસની ‘ખેડૂત આક્રોશ સભા’: ખેડૂતોના સળગતા પ્રશ્નો મુદ્દે દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે મોટું શક્તિપ્રદર્શન

MORBI:મોરબીમાં કોંગ્રેસની ‘ખેડૂત આક્રોશ સભા’: ખેડૂતોના સળગતા પ્રશ્નો મુદ્દે દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે મોટું શક્તિપ્રદર્શન

મોરબીમાં કોંગ્રેસની ‘ખેડૂત આક્રોશ સભા’: સૌરાષ્ટ્ર-કચ્છને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ; વીજ ટાવર, જમીન સંપાદન અને MSP મુદ્દે સરકાર સામે ઉગ્ર આંદોલનની ચીમકી

મોરબીના શનાળા-રાજપર રોડ પર આનંદ પાર્ટી પ્લોટ સામે કોંગ્રેસ દ્વારા આયોજિત વિશાળ ‘ખેડૂત આક્રોશ સભા’માં છેલ્લા 30 વર્ષથી શાસક પક્ષ દ્વારા ખેડૂતોની થતી કથિત અવગણના અને અન્યાય સામે પ્રદેશ કક્ષાના નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ સભામાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સૂરજેવાલા, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને સ્થાનિક અગ્રણી લલિત કગથરા સહિતના ટોચના નેતાઓએ હાજરી આપી સરકારની ખેડૂત વિરોધી નીતિઓની આકરી ઝાટકણી કાઢી હતી.

સૌરાષ્ટ્ર-કચ્છ માટે વિશેષ પેકેજ અને ટ્રાન્સમિશન ટાવરના વળતરની માંગ – ગુજરાત કોંગ્રેસ પ્રભારી રણદીપ સૂરજેવાલાએ સરકાર સમક્ષ માંગણી કરી હતી કે કચ્છ અને સૌરાષ્ટ્રને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને વિશેષ રાહત પેકેજ આપવામાં આવે. સૂરજેવાલાએ આક્ષેપ કર્યો કે સત્તાધીશો જનતાના સેવક બનવાને બદલે ખાનગી કંપનીઓના નોકર બની ગયા છે અને ઉદ્યોગપતિઓની વીજ લાઈનો નાખવા માટે ખેડૂતોના ખેતરો બરબાદ થઈ રહ્યા છે. તેમણે માંગ કરી કે ટ્રાન્સમિશન ટાવર માટે જમીનનો બજાર ભાવથી 400 ટકા વળતર ચૂકવાય.-વીજ લાઈન નીચે આવતી જમીનનું 100 ટકા વળતર આપવામાં આવે.- અસરગ્રસ્ત ખેડૂતને વાર્ષિક ₹25,000 ચૂકવવામાં આવે.

તેમણે સ્પષ્ટ ચીમકી આપી હતી કે જો ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ (MSP) અને યોગ્ય વળતર નહીં મળે, તો પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી દિવસોમાં રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

765 KV લાઈન અને ખેતીના ઓજારો પર GST મુદ્દે ઘેરાવ – સભામાં ખેડૂતોની કિંમતી જમીનોમાં પરાણે નાખવામાં આવતી 765 કેવી (KV) લાઈનના વિશાળ ટાવરોનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. નેતાઓએ જણાવ્યું હતું કે આ ટાવર ઊભા થવાથી 100 મીટર સુધી ખેતી થઈ શકતી નથી અને હક માંગતા ખેડૂતોને પોલીસનો ડર બતાવી જેલમાં ધકેલવામાં આવે છે. બીજી તરફ સરકારે ટ્રેક્ટર અને ખેતીના ઓજારો પર જીએસટી લગાવી ખેતી વધુ મોંઘી બનાવી દીધી છે, જ્યારે માનીતા ઉદ્યોગપતિઓને સસ્તા ભાવે જમીન અને વીજળીની લહાણી કરવામાં આવી રહી છે.

નેશનલ હાઈવે બાયપાસ જમીન સંપાદનમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ: દિલ્હી સુધી લડત લડાશે

કોંગ્રેસ આગેવાન લલિતભાઈ કગથરાએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે મોરબીમાં ગાળાથી લઈને વઘાસીયા સુધીના નેશનલ હાઇવે બાયપાસ માટે સરકારે બિલ્ડર લોબીને ફાયદો કરાવવા ત્રણ વાર એલાઈનમેન્ટ બદલ્યું છે, જેના કારણે ખેડૂતોની કિંમતી જમીન પાણીના ભાવે સંપાદિત થઈ રહી છે. આવું જ વલણ રિબડાથી એરપોર્ટ સુધીના રોડમાં પણ અપનાવાયું છે.

આ મામલે રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું કે આ અન્યાય સામે સંસદની એગ્રીકલ્ચર સ્ટેન્ડિંગ કમિટી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સમક્ષ રજૂઆત કરાશે. જરૂર પડ્યે લલિત કગથરા, ગ્યાસુદ્દીન પીરઝાદા અને પ્રદેશ નેતૃત્વ હેઠળનું એક પ્રતિનિધિમંડળ દિલ્હી જઈને આ મુદ્દો ઉઠાવશે.

“અહંકારી સરકાર સામે ખેડૂતોએ એક થવું પડશે”: ગેનીબેન ઠાકોર

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ખેડૂતોને જાગૃત કરતા જણાવ્યું કે હવે મૂંગા મોઢે અન્યાય સહન કરવાનો સમય પૂરો થઈ ગયો છે. જે રીતે દિલ્હીની સરહદો પર ખેડૂતોએ એક થઈને આંદોલન કરીને કેન્દ્ર સરકારને ઝુકાવી હતી, તે જ રીતે ગુજરાતના ખેડૂતોએ પણ ગામડે-ગામડે સંગઠિત થવું પડશે. તેમણે વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં ખેડૂત હિતૈષી સરકાર લાવવા માટે એકજૂથ થઈ સત્તા પરિવર્તનનું આહ્વાન કર્યું હતું.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો