MORBI:મોરબી મનપાની લાલ આંખ: રખડતા ઢોર સામે કડક ઝુંબેશ, અત્યાર સુધીમાં 3,910 પશુઓ ડબ્બે પુરાયા

ચાલુ અઠવાડિયે વધુ 25 પશુઓ પકડાયા: મનપા હસ્તકના નંદીઘરમાંથી 600થી વધુ પશુઓ ગૌશાળા-પાંજરાપોળ મોકલાયા
2,920 પશુઓનું RFID ટેગિંગ સંપન્ન: પેટડોગ અને પશુ માલિકોને વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લેવા તંત્રની અપીલ

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ બનતા અને અકસ્માત નોતરતા રખડતા પશુઓને ડબ્બે પૂરવા માટે મનપાના તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ અત્યાર સુધીમાં ANCD શાખા દ્વારા જાહેર માર્ગો પરથી કુલ 3,910 રખડતા પશુઓને પકડી પાડવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર, મોરબી મનપાની ANCD (એનિમલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ) શાખા દ્વારા છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જ 25 જેટલા પશુઓને પકડવામાં આવ્યા છે. વિવિધ વિસ્તારો અને મુખ્ય માર્ગો પરથી પકડાયેલા આ પશુઓને મોરબી જિલ્લાની આસપાસ આવેલી ગૌશાળાઓ, નંદીઘર તથા પાંજરાપોળ ખાતે આશ્રય આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા સંચાલિત નંદીઘરમાંથી 600થી વધુ પશુઓને જુદી-જુદી પાંજરાપોળ તેમજ ગૌશાળાઓમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
પશુપાલન અને પેટ એનિમલ નિયમન અંતર્ગત મનપા દ્વારા વહીવટી પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે, જે અંતર્ગત:પશુ લાયસન્સ: 306 પશુ માલિકોને નવા લાયસન્સ ઇશ્યૂ કરાયા છે, જ્યારે 45 માલિકોના લાયસન્સ રિન્યૂ કરવામાં આવ્યા છે.ઘાસ વેચાણ પરમિટ: માર્ગો પર આડેધડ ઘાસનું વેચાણ અટકાવવા 34 લોકોને નિયત પરમિટ આપવામાં આવી છે અને 4 પરમિટ રિન્યૂ કરાઈ છે.પેટડોગ રજીસ્ટ્રેશન: 49 શ્વાનપ્રેમીઓએ પોતાના પાલતુ શ્વાન (પેટડોગ)નું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમજ 10 ડોગ લાયસન્સ રિન્યૂ કરવામાં આવ્યા છે.RFID ટેગિંગ: પશુઓની ઓળખ સુનિશ્ચિત કરવા માટે અત્યાર સુધીમાં કુલ 2,920 પશુઓનું RFID અને ટેગિંગનું કાર્ય પૂર્ણ થયું છે.મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ પશુપાલકો અને પેટડોગ માલિકોને પોતાના પશુ-શ્વાનનું વહેલી તકે સત્તાવાર રજીસ્ટ્રેશન કરાવી લેવા તાકીદ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ જાહેર માર્ગો પર રખડતા પશુઓને પકડવાની તેમજ RFID ટેગિંગ કરવાની કામગીરી વધુ વેગવંતી રાખવામાં આવશે તેવી સ્પષ્ટતા તંત્ર દ્વારા કરવામાં આવી છે.














