કચ્છના શિક્ષણની સરેઆમ હત્યા : માત્ર ૧૦ દિવસીય જ્ઞાન સહાયક પાછળ કોનું માસ્ટર માઈન્ડ?

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

કચ્છના શિક્ષણની સરેઆમ હત્યા : માત્ર ૧૦ દિવસીય જ્ઞાન સહાયક પાછળ કોનું માસ્ટર માઈન્ડ?

૦૦૦

શિક્ષકો પોતાના સ્વાર્થ માટે તંત્ર સાથે મિલીભગત કરતા ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે ગુજરાતના શિક્ષણ વિભાગ સામે ઉઠતા સવાલો?

૦૦૦

‘પોક્સો’ ની કલમ લગાવી જાગૃત વાલીઓ અને પત્રકારોને શાળા પ્રવેશ કરતા રોકવાએ બંધારણીય અધિકારો પર તરાપ સમાન 

 

મુંદરા, તા.૨૨ ઓક્ટોબર ૨૦૨૬:

 

ગુજરાતનું શિક્ષણ વિભાગ હાલમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણયો લઈ રહ્યું છે કે સ્વાર્થી શિક્ષકોની માંગણી સંતોષવા મીલીભગત કરી કથિત ભ્રષ્ટાચારને છાવરવા મનમાની કરી રહ્યું છે? તેવો સણસણતો સવાલ કચ્છના જાગૃત નાગરિકો, વાલીઓ અને બેરોજગાર ઉમેદવારોના મનમાં ઉઠી રહ્યો છે. વિદ્યાસહાયક ભરતીના ત્રીજા રાઉન્ડના અંતે સત્તાવાર પોર્ટલ પર ૩,૦૪૬ કાયમી જગ્યાઓ ખાલી પડી હોવાનું દર્શાવાઈ રહ્યું છે અને ખુદ કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) સંજય પરમારે એક વિડીયો ન્યુઝમાં સ્વીકાર્યું છે કે કચ્છમાં ૨,૦૬૯ શિક્ષકોની ઘટ છે. આમ છતાં ત્રીજા રાઉન્ડને અંતે માત્ર ૫૫૦ જેટલા ઉમેદવારોએ જ કચ્છ પસંદ કર્યું છે એટલે કે હજુ પણ ૧,૫૦૦ જેટલી જગ્યાઓ ખાલી રહી જવાની છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે બદલી પામેલા ૧,૦૦૦ જેટલા જૂના શિક્ષકોને કચ્છમાંથી ૧૦૦% છૂટા કરવાથી ભરતી બાદ પણ ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો થશે અને કચ્છ જેવા સરહદી વિસ્તારના ગરીબ બાળકોના ભવિષ્ય અને શિક્ષણના મૂળભૂત અધિકાર સાથે ભયાનક ખિલવાડ સમાન નહીં હોય?

 

માત્ર ૧૦ દિવસની રોકેટ ગતિએ ‘જ્ઞાન સહાયક’ ની ભરતી પાછળ કોનું માસ્ટર માઈન્ડ? :

 

તંત્ર સ્વીકારે છે કે દિવાળી વેકેશન બાદ તરત જ કાયમી વિદ્યાસહાયકોને નિમણુંક પત્રો આપી દેવામાં આવશે. જો કાયમી શિક્ષકોની વેકેશન બાદ નિમણુંક આપવાની જ હોય તો માત્ર ૧૦ દિવસ માટે જ્ઞાન સહાયકોની રોકેટ ગતિથી કરવામાં આવતી ભરતીની આટલી બધી આંધળી ઉતાવળ કોના માટે? 

સત્તાવાર કાર્યક્રમ મુજબ આજથી પ્રાથમિક શાળાઓમાં બાળકોની સત્રાંત પરીક્ષા શરૂ થઈ ગઈ છે ત્યારે નવા નિમણુંક પામેલ જ્ઞાન સહાયક શિક્ષકો બાળકોના શિક્ષણના હિતમાં શું ઉકાળી લેવાના છે? એવા સવાલો ઉદભવી રહ્યા છે. 

૭,૦૦૦ જેટલા ઉમેદવાર પોતાની પસંદગીનો જિલ્લો વિદ્યાસહાયક માટે પસંદ કર્યા બાદ માત્ર ૧૦ દિવસ માટે જ્ઞાન સહાયકમાં જોડાશે? કે પછી બદલી પામેલા શિક્ષકો છુટા થવા માટે પોતાના જિલ્લાના લાયક ઉમેદવારોને લાલચ આપીને કચ્છમાં માત્ર ૧૦ દિવસ માટે હાજર કરી પોતાનો વતન જવાનો રસ્તો સાફ કરશે? કચ્છ જેવા દુર્ગમ વિસ્તારમાં જુના શિક્ષકો છૂટા થઈ જશે અને ૧૦ દિવસ પછી જ્ઞાન સહાયકો વેકેશનમાં પગાર મળવાપાત્ર ન હોઈ આપોઆપ છુટા ગણાશે અને પોતાના વતનની વાટ પકડશે! 

જ્ઞાન સહાયકને મહેકમમાં ગણવા અને શાળામાં એક જ શિક્ષક વધે ત્યાં સુધી 100 ટકા બદલી પામેલ શિક્ષકોને છૂટા કરવાની છૂટછાટ માત્ર એક જ વખત ખાસ કિસ્સા તરીકે મંજુર કરતો તાજેતરનો પરિપત્ર બદલી કૌભાંડનો પૂર્વ યોજીત મોટો કારસો હોવાની શંકા ઉપજાવે છે, તંત્રની તાત્કાલિક મંજૂરી સામે કરોડનો સવાલ ઉભો થાય એ સ્વાભાવિક નથી?

 

શાળામાં જાગૃત વાલીઓ અને પત્રકારોના પ્રવેશ પર પ્રતિબંધ: ગુજરાતના શિક્ષણયુગમાં ‘સરમુખત્યારશાહી’? :

 

કચ્છની છેવાડાની ગ્રામીણ શાળાઓમાં શિક્ષકો મોડા આવતા અને વહેલા ભાગી જતા હોવાના વીડિયો વાયરલ થયા બાદ તેનાથી બચવા શિક્ષકસંઘે શિક્ષણ વિભાગ પાસે કાળા કાયદાનો પરિપત્ર પણ કરાવી લીધો? પરિપત્ર મુજબ શાળામાં કોઈ બિન-અધિકૃત વ્યક્તિ (પત્રકાર કે વાલી) પ્રવેશ કરશે તો પોક્સો અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ જેલ ભેગા કરાશે! આજે એક પ્રતિશિષ્ટ અખબારે પણ સવાલ ઉઠાવ્યો છે કે જો ગુજરાતના પ્રગતિશીલ શિક્ષણ માટે દાવાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે શાળાઓમાં છુપાવવા જેવું શું છે? તંત્ર પાસે બાયોમેટ્રિક હાજરી પુરાવવાની તેવડ નથી, વર્ગખંડમાં બાળકો ભણવાને બદલે રામભરોસે બેઠા હોય છે, અને અમુક શિક્ષકોની મોજમજા પકડાઈ ન જાય એટલા માટે તો મીડિયાના કેમેરા ઉપર પ્રતિબંધ મુકવામાં નથી આવી રહ્યો ને? બંધારણની જોગવાઈ મુજબ પોતાના બાળકના શિક્ષણની ગુણવત્તા તપાસવાનો અધિકાર દરેક વાલીને છે ત્યારે આ પરિપત્ર જાગૃત વાલી અને લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડિયાનું ગળું ઘોંટવાનો પ્રયાસ થઈ રહ્યો હોય એવું નથી લાગતું?

 

આચારસંહિતા પહેલાં કાયમી ઓર્ડર નહીં અપાય તો PMO ને જાણ કરાશે? :

 

આગામી ટૂંક સમયમાં ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે આચારસંહિતા લાગુ પડે તે પહેલાં જ્ઞાન સહાયકના નાટક બંધ કરી તૈયાર બેઠેલા ૭,૦૦૦ વિદ્યાસહાયક ઉમેદવારોને દિવાળી વેકેશન પહેલાં જ તાત્કાલિક કાયમી નિમણૂક પત્રો આપવા જોઈએ. જો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમનસિંહ વાજા આ બાબતે તાત્કાલિક મધ્યસ્થી કરીને શિક્ષણ વિભાગની આ મનમાની અને ભ્રષ્ટાચારી નીતિઓ પર રોક નહીં લગાવે તો નાછૂટકે વાલીઓ અને લાયક ઉમેદવારો રાષ્ટ્રીય સુરક્ષા અને શિક્ષણના હિતમાં કચ્છ જેવા જિલ્લા પ્રત્યે કૂણી લાગણી ધરાવતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PMO) સમક્ષ તમામ સત્તાવાર દસ્તાવેજી પુરાવાઓ સાથે રજૂઆત કરી શકે છે. વિદેશી તાકાતો યુવાનોનો ઉપયોગ કરીને દેશને નબળો પાડવા મથી રહ્યા છે ત્યારે ગુજરાતનું શિક્ષણ વિભાગ જ આશ્ચર્યજનક નિર્ણય લઈને શિક્ષિત યુવાનોનો પાયો નબળો કરશે તો ભવિષ્યની પેઢી ક્યારેય માફ નહીં કરે!

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો