*તસ્વીર:કુંજન પાટણવાડીયા*

ઉમરેઠ તાલુકાના શીલી ગામમાં સરપંચ જસવંતભાઈ પરમારના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસકામોમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ મોરચો માંડ્યો છે. બુધવારે યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ગામના જાગૃત નાગરિકોએ રજૂઆતોનો બોમ્બ ફોડતાં સમગ્ર તાલુકા પંચાયત કચેરીમાં સન્નાટો વ્યાપી ગયો હતો. પેવર બ્લોક, આરસીસી રોડ અને પાણીના કૂવાના કામો સ્થળ પર થયા જ ન હોવા છતાં ચોપડે કરોડોનો ખર્ચ બતાવી દેવાયો હોવાનો ગ્રામજનોનો ચોંકાવનારો દાવો છે.

શીલી ગામના જાગૃત ગ્રામજનોના જણાવ્યા મુજબ, વર્તમાન સરપંચ દ્વારા કરાયેલા પેવર બ્લોક ફિટિંગ, આરસીસી રોડ અને પાણીના કૂવાના કામોમાં મોટા પાયે ગેરરીતિ આચરાઈ છે. આ અંગે કાયદાકીય રીતે માહિતી અધિકાર (આરટીઆઈ) હેઠળ માહિતી માંગવામાં આવી હતી. નિયમ મુજબ ૩૦ દિવસમાં માહિતી આપવાની હોય છે, પરંતુ બે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા માહિતી આપવામાં આવતી નથી.ખાનગી બોરને સરકારી ચોપડે બતાવી રૂપિયા પચાવી પાડ્યાગ્રામજન મણીભાઈ પરમારે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે, “મારા પોતાના ખાનગી બે બોર છે. છતાં પંચાયતે સરકારી યોજના હેઠળ મારા નામે નવો બોર મંજૂર કરી આપ્યો હોવાનું દર્શાવી તેનો તમામ ખર્ચ ચોપડે ઉધારી લીધો છે

ન્યાય નહીં મળે તો ટીડીઓ અને કલેક્ટર કચેરી ઘેરાશેરજૂઆતકર્તા વિજયભાઈ ચૌહાણે ઉમેર્યું કે, અમે ટીડીઓ અને સ્વાગત પોર્ટલ પર વારંવાર રજૂઆતો કરી છતાં સ્થાનિક તંત્ર કૌભાંડીઓને બચાવી રહ્યું છે. જો આણંદ ડીડીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ નહીં કરાય તો અમે કલેક્ટર કચેરીએ જઈ ઉગ્ર આંદોલન કરીશું

તંત્રની પીછેહઠ કે ભ્રષ્ટાચાર પર પડદો પાડવાનો પ્રયાસ?સ્થળ તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ હોવા છતાં અધિકારીઓ માત્ર ઓનલાઈન પોર્ટલની ખામી ગણાવીને બચાવ કરી રહ્યા છે. જાગૃત નાગરિકોની માંગ છે કે આણંદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક સ્પેશિયલ ટીમ બનાવીને સ્થળ તપાસ હાથ ધરવામાં આવે.

ગ્રામજનોના ગંભીર આક્ષેપો અંગે ઉમરેઠ તાલુકા વિકાસ અધિકારીએ બચાવ સાથે ગોળ ગોળ જવાબ આપતા જણાવ્યું હતું કે, પોર્ટલ પર નક્કી કરેલા કામો ચડાવ્યા બાદ ઘણીવાર તેમાં ફેરફાર થતો હોય છે. ઓનલાઈન પોર્ટલ અપડેટ ન થવાના કારણે આ અસમંજસ ઊભી થઈ હોઈ શકે છે. પ્રાથમિક દ્રષ્ટિએ ૧ થી ૨ બાબતોમાં ગ્રામજનોની ફરિયાદ સાચી લાગી રહી છે.









