નવસારી જિલ્લામાં આરોગ્ય સેવાઓને નવી ગતિ: રૂ. ૨.૪૦ કરોડના ખર્ચે ૨ સબ સેન્ટરનું લોકાર્પણ, ૪નાં ઈ-ખાતમુહૂર્ત

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઓનલાઈન નવસારી જિલ્લામાં રૂ. ૯૦ લાખના ખર્ચે નિર્મિત ૨ સબ સેન્ટરનું લોકાર્પણ અને રૂ. ૧.૫૦ કરોડના ખર્ચે ૪ નવા સબ સેન્ટરનાં ખાતમુહૂર્ત કરાયું:*

*અડદા ખાતે આયોજીત કાર્યક્રમમાં નવસારી વિધાનસભા મતવિસ્તારના  ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા*

–

રાજ્યમાં આરોગ્ય સેવાઓના માળખાને વધુ સુદૃઢ બનાવવા અને નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવાના હેતુથી આજે અમદાવાદ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યૂરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્તની સાથે  ૨૫૫ જેટલી આરોગ્ય સંસ્થાઓનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

                આ રાજ્યવ્યાપી કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લામાં જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા હસ્તક રૂ. ૯૦ લાખના ખર્ચે નિર્મિત બે સબ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં જલાલપોર તાલુકાના ડાભેલ ગામ ખાતે રૂ. ૪૫ લાખના ખર્ચે અને વાંસદા તાલુકાના સિંગાડ ગામ ખાતે રૂ. ૪૫ લાખના ખર્ચે નિર્મિત સબ સેન્ટરનો સમાવેશ થાય છે.

              આ ઉપરાંત, નવસારી જિલ્લામાં રૂ. ૧.૫૦ કરોડના ખર્ચે ચાર નવા સબ સેન્ટરનાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતાં. જેમાં નવસારી તાલુકાના અડદા અને ઉગત ગામ ખાતે પ્રત્યેક રૂ. ૩૬ લાખના ખર્ચે તથા વાંસદા તાલુકાના ધાકમાળ અને બારતાડ ગામ ખાતે પ્રત્યેક રૂ. ૩૯ લાખના ખર્ચે નવા સબ સેન્ટર બનાવવામાં આવશે. આ સબ સેન્ટરોના નિર્માણથી સ્થાનિક નાગરિકોને આધુનિક અને સુવિધાસભર પ્રાથમિક આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે તથા આરોગ્ય સેવાઓ માટે દૂર સુધી જવાની જરૂરિયાતમાં ઘટાડો થશે.

           આ પ્રસંગે નવસારી વિધાનસભા મતવિસ્તારના  ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અડદા ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

           નવનિર્મિત સબ સેન્ટરો દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને રસીકરણ, સગર્ભા માતાઓની તપાસ, માતા અને બાળ આરોગ્યની સંભાળ, વિવિધ આરોગ્યલક્ષી તપાસો, રોગચાળા અંગે જાગૃતિ અને આરોગ્ય શિક્ષણ જેવી મહત્ત્વપૂર્ણ સેવાઓનો લાભ સ્થાનિક સ્તરે મળી શકશે. આ સુવિધાઓથી પ્રાથમિક આરોગ્ય સેવાઓની પહોંચ વધશે અને સમયસર તપાસ તથા આરોગ્યલક્ષી માર્ગદર્શન ઉપલબ્ધ બનશે.

           આરોગ્ય સંસ્થાઓનું નિર્માણ અને આધુનિક સુવિધાઓનો વિકાસ એ સ્વસ્થ અને સમૃદ્ધ સમાજના નિર્માણ માટેનું મહત્ત્વપૂર્ણ રોકાણ છે. ગ્રામ્ય વિસ્તારોમાં સબ સેન્ટરોની સુવિધા વધવાથી માતા અને બાળ આરોગ્યની સંભાળ, રસીકરણ અને રોગોના વહેલા નિદાનને પ્રોત્સાહન મળશે. આરોગ્ય સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ થવાથી સામાન્ય નાગરિકોના સમય અને મુસાફરીના ખર્ચમાં પણ ઘટાડો થઈ શકશે. ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓની સુલભતા વધારવાના આવા પ્રયાસો સ્વસ્થ ગામ, સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ ગુજરાતના નિર્માણમાં યોગદાન આપશે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો