તારીખ ૨૪/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ખડકી ગામ નજીક આજે બપોરે માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. વેજલપુર-કાલોલ હાઈવે પર થયેલા અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો ત્યારે કાલોલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલ જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ જયદેવસિંહ ઠાકોર એ તાત્કાલિક મદદે આવી ઘાયલ વ્યક્ત નો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, બપોરના આશરે 2:30 વાગ્યે ખડકી ગામ નજીક પેટ્રોલ પંપ પાસે એક અજાણ્યા વ્યક્તિને અકસ્માત નડ્યો હતો. ઘટનાની જાણ થતા જ જયદેવસિંહ ઠાકોર પોતાના મિત્ર રવિભાઈ પટેલ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને તેઓએ વિલંબ કર્યા વગર એમ્બ્યુલન્સને કોલ કર્યો અને સ્થળ પર હાજર રાહદારીઓના સહયોગથી ઈજાગ્રસ્ત વ્યક્તિને સ્ટ્રેચર પર લઈ ઝડપથી કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોંચાડ્યો હતો. તેમની આ સમયસૂચકતાને કારણે ઘાયલ વ્યક્તિને ગોલ્ડન અવરમાં સારવાર મળી શકી હતી. ત્યારે આ ઘટના અંગે જયદેવસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે, “જ્યારે પણ રોડ પર કોઈને અકસ્માત નડે છે, ત્યારે શરૂઆતનો અડધો કલાક તેના માટે ખૂબ જ મહત્વનો હોય છે. આ અડધા કલાકમાં જો તાત્કાલિક સારવાર મળી જાય તો જીવનું જોખમ ખૂબ ઓછું થઈ જાય છે. મારા માટે માનવસેવા એ માત્ર ફરજ નથી, પરંતુ માનવી તરીકેની આપણી નૈતિક જવાબદારી છે. મુશ્કેલીના સમયે કોઈ અજાણી વ્યક્તિની મદદે આવવું એ જ સાચી માનવતા છે. તેમણે તમામ વાહનચાલકો અને નાગરિકોને પણ અપીલ કરી હતી કે રોડ પર અકસ્માતગ્રસ્ત વ્યક્તિને જોઈને અવગણવાને બદલે તાત્કાલિક મદદરૂપ થવું જોઈએ. જયદેવસિંહ ઠાકોરની આ પ્રશંસનીય અને માનવતાભરી કામગીરીને સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓએ બિરદાવી હતી.








