તા.24/10/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


23મીથી વોટ્સએપ ગ્રુપ છોડી વિરોધ શરૂ કરાશે, 26મીએ સંપૂર્ણ કામગીરી બંધ અને 27મીએ સામૂહિક રજાનું શસ્ત્ર ઉગામશે, સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં વન વિભાગના વનરક્ષક અને વનપાલ કર્મચારીઓની પડતર માંગણીઓને લઈને ચાલી રહેલું આંદોલન હવે વધુ ઉગ્ર અને આક્રમક બનવા તરફ જઈ રહ્યું છે. લાંબા સમયથી ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં યોગ્ય નિરાકરણ ન આવતા કર્મચારીઓમાં ભારે રોષ અને અસંતોષ વ્યાપી ગયો છે. આ પરિસ્થિતિ વચ્ચે કર્મચારી સંગઠનો દ્વારા આગામી દિવસો માટે વિરોધ પ્રદર્શનના આકરા કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. આંદોલનના ભાગરૂપે રાજ્યભરની વન વિભાગની મુખ્ય કચેરીઓ ખાતે આવેદનપત્રો પાઠવવામાં આવ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના વનરક્ષક અને વનપાલ મંડળના હોદ્દેદારો તેમજ સભ્યોએ પણ જિલ્લાની ત્રણેય વડી કચેરીઓ ખાતે વિધિવત આવેદનપત્ર આપી પોતાની ન્યાયી માંગણીઓ સંતોષવા સૂર ઉચ્ચાર્યો હતો. કર્મચારી સંગઠનો દ્વારા ૨૩ ઓક્ટોબરથી આંદોલનને વધુ વેગવંતું બનાવવા માટે નીચે મુજબના તબક્કાવાર કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે જેમાં તમામ કર્મચારીઓ સરકારી અને ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપમાંથી ‘લેફ્ટ’ થઈને વિરોધની શરૂઆત કરશે. રાજ્યભરમાં વન વિભાગની તમામ કામગીરીથી અળગા રહી ‘પેન ડાઉન’ અને કામબંધી કરવામાં આવશે. કર્મચારીઓ એકજૂથ થઈને સામૂહિક રજા પર ઉતરી જશે. જો ત્યાં સુધીમાં માંગણીઓ અંગે કોઈ સકારાત્મક નિર્ણય નહીં લેવાય, તો ૨૮મી ઓક્ટોબરથી અચોક્કસ મુદતની સંપૂર્ણ હડતાલ શરૂ કરી દેવામાં આવશે. વન વિભાગના કર્મચારીઓ મુખ્યત્વે ગ્રેડ-પેમાં સુધારો, જોખમી ફરજ સામે ‘રિસ્ક એલાઉન્સ’ રજાના પગાર ચૂકવણીના પ્રશ્નો, વનપાલ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરના પ્રોમોશન તથા રેશિયો સુધારણા તેમજ સીધી ભરતીના બદલે અનુભવી સ્ટાફને અગ્રતા આપવા જેવી બાબતોને લઈને લડત ચલાવી રહ્યા છે. વનકર્મીઓની હડતાલના કારણે વન્યજીવોની સુરક્ષા, જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ અને દૈનિક વહીવટી કામગીરીઓ પર મોટી અસર પડવાની શક્યતા છે. આંદોલન વધુ ઉગ્ર બને તે પહેલા રાજ્ય સરકાર કઈ રીતે વનકર્મીઓની માંગણીઓનો ઉકેલ લાવે છે અને શું પગલાં ભરે છે તેના પર સમગ્ર રાજ્ય અને ઝાલાવાડ વાસીઓની નજર મંડાયેલી છે.










