સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે નવો અધ્યાય: રૂ. 11.31 કરોડના ખર્ચે 2 PHC અને 17 પેટા આરોગ્ય કેન્દ્રોનું લોકાર્પણ

તા.24/10/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર: રાજ્યના નાગરિકોને ઘરઆંગણે જ અદ્યતન અને ગુણવત્તાસભર આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતેથી રાજ્યવ્યાપી આરોગ્ય સંસ્થાઓના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ રાજ્યવ્યાપી મહોત્સવના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાને પણ આરોગ્ય ક્ષેત્રે રૂ. ૧૧.૩૧ કરોડના વિવિધ વિકાસકાર્યોની મોટી ભેટ સાંપડી છે. સુરેન્દ્રનગર ખાતે મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલના નર્સિંગ ઓડિટોરિયમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ગરિમામય ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ઈ-લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લામાં ૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૧૭ પેટા આરોગ્ય કેન્દ્રો મળીને કુલ ૧૯ નવનિર્મિત આરોગ્ય સંસ્થાઓનું જનતાની સેવા અર્થે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા તેમજ શહેરી વિકાસ મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની ખાસ ઉપસ્થિતિ રહી હતી. તેમણે રાજ્યમાં છેવાડાના માનવી સુધી આરોગ્ય સુવિધાઓના વ્યાપ વધારવાની રાજ્ય સરકારની કટિબદ્ધતા દોહરાવી હતી. સુરેન્દ્રનગરના સ્થાનિક કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓએ જણાવ્યું હતું કે રૂ. ૧૧ કરોડ ૩૧ લાખના ખર્ચે તૈયાર થયેલી આ ૧૯ આરોગ્ય સંસ્થાઓથી જિલ્લાના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોના દર્દીઓને ઘરઆંગણે જ પ્રાથમિક સારવાર, માતૃ-બાળ કલ્યાણની સેવાઓ અને રસીકરણ સહિતની સુવિધાઓ સરળતાથી મળી રહેશે. આ ઈ-લોકાર્પણ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબેન ભૂસડિયા, મેયર રાકેશભાઈ રાઠોડ, ધારાસભ્ય પરસોત્તમભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રીમતી સ્મિતાબેન રાવલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નટુભાઈ ઠાકોર સહિતના વિવિધ લોકપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત વહીવટી તંત્રમાંથી જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. બી. જી. ગોહિલ તેમજ આરોગ્ય અને સંબંધિત વિભાગોના અધિકારીઓ, તબીબો અને કર્મયોગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો