જામનગર નજીક દરેડમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શ્રમિક ઝડપાયા

પંચકોશી ‘બી’ ડિવિઝન પોલીસનીકાર્યવાહી, રોકડ રૂ. ૧૪,૨૩૦ અને ગંજીપત્તાનાં પાનાં કબજે કરાયા
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા. ૨૪: જામનગર નજીક દરેડ ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચકોશી ‘બી’ ડિવિઝન પોલીસે દરોડો પાડી પાંચ શ્રમિકોને ઝડપી લીધા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન રોકડ રૂ. ૧૪,૨૩૦ તથા ગંજીપત્તાનાં ૫૨ પાનાં મળી કુલ રૂ. ૧૪,૨૩૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, દરેડ ગામમાં મસીતીયા રોડ પર મસ્જિદ નજીકના વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ રહેતા દિનેશ રજનીંદર સહની (ઉ.વ. ૨૫), કલુકુમાર શ્યામબાબુ સહની (ઉ.વ. ૨૫), બરેલાલ અશોકભાઈ સહની (ઉ.વ. ૨૨), દિલીપ બ્રીજબીહારી દરબાર (ઉ.વ. ૩૫) અને લાલબાબુ અરુણભાઈ સહની (ઉ.વ. ૨૬) જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે પાંચેય સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.










