તારીખ ૨૫/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકામાં બેફામ વાહન ચલાવવાની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં એક 4 વર્ષના માસૂમ બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે.
મલાવ નજીક ફતેપુરી ચોકડી ખાતે આજરોજ સવારે બનેલી આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ, કાલોલ તાલુકાના દેવચોટીયા મંદિર ફળિયામાં રહેતા જતીનકુમાર બળવતસિંહ ચૌહાણ (ઉ.વ. 32) પોતાની 7 વર્ષીય દીકરી અને 4 વર્ષીય દીકરા ને પોતાની બાઈક નં. GJ-17-CB-5429 પર બેસાડી શાંતિનિકેતન સ્કૂલની બસમાં બેસાડવા ફતેપુરી ચોકડી પર ગયા હતા.તેમણે પોતાની બાઈક ધર્મેન્દ્રભાઈ રાઠોડની દુકાને મૂકી દીકરીને સ્કૂલ બસમાં બેસાડી હતી અને બાદમાં માસૂમ દીકરા નો હાથ પકડી ચાલતા ચાલતા પોતાની બાઈક તરફ જઈ રહ્યા હતા.તે જ સમયે બાઈક નં. GJ-17-DA-9103 નો ચાલક પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીપૂર્વક બાઈક હંકારી લાવી માસૂમ બાળકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાળક રોડ પર ફંગોળાઈ ગયો હતો અને તેને જમણી આંખના પાપણ ઉપર, મોઢા ઉપર, કપાળના ભાગે અને શરીરે નાની-મોટી ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યાં અકસ્માત સર્જી આરોપી બાઈક ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક પ્રાઇવેટ વાહનમાં મલાવ રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે હાલોલની માં સર્જિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ બાળકની સારવાર ચાલુ છે.આ અંગે પિતા જતીનકુમાર ચૌહાણે કાલોલ પોલીસ મથકે બાઈક ના અજાણ્યા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.










