રિપોર્ટર.કાદિર દાઢી.હાલોલ

તા.૨૬.૧૦.૨૦૨૬
હાલોલ બાયપાસ રોડ નજીક આજે સોમવારે સવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે, જ્યાં ટાયર ભરેલા એક આઇશર વાહનમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.મળતી માહિતી મુજબ, Ceat કંપનીના ટાયર ભરીને જઈ રહેલા આઇશર વાહનમાં અગમ્ય કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી. ટાયરનો જથ્થો હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખું વાહન સળગીને ખાખ થઈ ગયું હતું. આગ એટલી વિકરાળ હતી કે આકાશમાં ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.આઇશર વાહનમાં ગેસ કીટ આવેલી હોવાથી અને મોટી હોનારત સર્જાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે પોલીસે હાઇવેનો એક તરફનો વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધો હતો.આગની ગંભીરતાને જોતાં હાલોલ, કાલોલ તેમજ સ્થાનિક કંપનીના મળીને કુલ 4 ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ ફોમનો મારો ચલાવીને ભારે જહમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.













