MORBI:મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વાલ્મીકિ જયંતિની પ્રેરણાદાયી ઉજવણી: સફાઈ કર્મીઓનું સન્માન, સમરસતા ભોજન અને ૨૧ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને દત્તક લેવાનો સંકલ્પ


મોરબી:હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ રામાયણના રચિયતા આદિકવિ મહર્ષિ વાલ્મીકિજીની જન્મજયંતિ નિમિત્તે મોરબીના જાણીતા સેવાભાવી સંગઠન ‘યંગ ઇન્ડિયા ગ્રુપ’ દ્વારા સામાજિક સમરસતા, સમાનતા અને ભાઈચારાનો અનોખો સંદેશ આપતો ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો. વાલ્મીકિ સમાજનું આત્મસન્માન અને ગરિમા જળવાઈ રહે તે હેતુથી સંસ્થાએ જ્ઞાતિવાદી માનસિકતાના પૂર્વગ્રહોને તિલાંજલિ આપી સર્વ સમાજને એકતાનો બોધપાઠ આપ્યો હતો.
સફાઈ સૈનિકોનું ગૌરવ અને અધિકારોનું રક્ષણ
કાર્યક્રમ દરમિયાન શહેર અને સમાજને સ્વચ્છ રાખતા સફાઈ કર્મીઓને ‘સ્વચ્છતાના સૈનિકો’ તરીકે બિરદાવી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વક્તાઓએ જણાવ્યું હતું કે ગંદકી દૂર કરવાનું કાર્ય એ પવિત્ર સેવા છે, જેનાથી કોઈના સ્વાભિમાન કે ગરિમાને ક્યારેય ઠેસ ન પહોંચવી જોઈએ. દરેક નાગરિક પોતાના મનમાંથી ભેદભાવ ભૂલી સફાઈ કર્મીઓના અધિકારો અને ગૌરવના રક્ષણ માટે સંકલ્પબદ્ધ બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
શૈક્ષણિક કિટ વિતરણ અને સમરસતા સહભોજન
વાલ્મીકિ જયંતિના પાવન અવસરે સમાજના બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ મનપસંદ નાસ્તો અને સ્વાદિષ્ટ ભોજન પીરસાયું હતું. સામાજિક સમરસતાના ઉત્તમ ઉદાહરણરૂપે વિવિધ સમાજના લોકોએ એક જ પંગતમાં બેસીને સહભોજન કર્યું હતું. આ સાથે જરૂરિયાતમંદ પરિવારોને આવશ્યક સહાય અર્પણ કરાઈ હતી, યુવાનોને વ્યસનમુક્તિની પ્રેરણા અપાઈ હતી તેમજ મહર્ષિ વાલ્મીકિજીના જીવન-આદર્શો અને રામાયણના મૂલ્યો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

૨૧ વિદ્યાર્થીઓના શિક્ષણની જવાબદારી અને વર્ષભરના રચનાત્મક કાર્યો
આ ઉજવણી માત્ર એક દિવસ પૂરતી સીમિત ન રહેતાં કાયમી સામાજિક પરિવર્તનનું માધ્યમ બને તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપે સમાજના ૨૧ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના સંપૂર્ણ શિક્ષણની જવાબદારી સ્વીકારવાનો મહત્વપૂર્ણ સંકલ્પ કર્યો હતો. આગામી સમયમાં સમાજના આગેવાનો અને સેવાભાવી યુવાનોના સહયોગથી મહિલા સશક્તિકરણ, રોજગાર-સ્વરોજગાર અને શૈક્ષણિક ઉત્થાન માટે વર્ષભર વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ સતત ચલાવવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.













