વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 

, થરાદ અને ધરણીધર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓની ઘટ દૂર કરવા તેમજ શિક્ષકોની ખાલી જગ્યાઓ સત્વરે ભરવાની માંગ સાથે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સંગઠને જણાવ્યું છે કે વર્ષોથી સામાજિક અને શૈક્ષણિક જાગૃતિ માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે અને છેલ્લા બે વર્ષથી ત્રણેય તાલુકાની પ્રાથમિક શાળાઓમાં બાળકોને સુલભ અને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે હેતુથી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
આ ઝુંબેશના ભાગરૂપે સંગઠન દ્વારા 50 પ્રાથમિક શાળાઓનો સેમ્પલ સર્વે કરવામાં આવ્યો હતો. સંગઠનના જણાવ્યા અનુસાર, તેમાંથી 35 શાળાઓની સ્થિતિ સામે આવી છે, જેમાં શૈક્ષણિક તથા ભૌતિક સુવિધાઓની ઘટ અને શિક્ષકોની અછત જેવા પ્રશ્નો અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે. બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે શાળાઓમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી અને શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી અનિવાર્ય હોવાનું સંગઠને જણાવ્યું છે.
સંગઠને તંત્ર સમક્ષ માંગ કરી છે કે વાવ-થરાદ જિલ્લામાં આવેલી તમામ પ્રાથમિક શાળાઓનો સર્વે હાથ ધરવામાં આવે અને સર્વેના આધારે જ્યાં પણ સુવિધાઓનો અભાવ હોય ત્યાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. શાળાઓમાં પૂરતા શિક્ષકો, જરૂરી ભૌતિક માળખું અને શિક્ષણ માટેની આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવે, જેથી ગ્રામ્ય વિસ્તારના બાળકોને પણ ગુણવત્તાસભર શિક્ષણનો સમાન લાભ મળી શકે.
**સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી**
બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો શાળાઓમાં શિક્ષકોની ઘટ અને અન્ય ભૌતિક સુવિધાઓની સમસ્યાઓનું સત્વરે નિરાકરણ નહીં આવે તો તાલુકાનાં વિવિધ ગામોના બાળકોના વાલીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બાળકોના શિક્ષણ સાથે જોડાયેલા આ પ્રશ્નને ગંભીરતાથી લઈ તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.








