વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

**થરાદ પોલીસની ઝડપી કાર્યવાહી: સ્કોર્પિયો ગાડી અને ત્રણ મોબાઇલ ફોન કબજે; પકડાયેલા એક આરોપી સામે અગાઉ NDPS એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયેલો**
વાવ-થરાદ જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખોડા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન ફરજ પરના પોલીસ કર્મચારીઓ પર ગાડી ચડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યાની ગંભીર ઘટના સામે આવી છે. પોલીસને રોકવાનો ઇશારો કરવા છતાં સ્કોર્પિયો ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે પૂરઝડપે હંકારી વાહન ચેકિંગ માટે મૂકેલા બેરીકેટ તોડી પોલીસ કર્મચારીઓ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ગાડીમાંથી નીચે ઊતરી પોલીસ કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને થરાદ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો ગાડી સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ દ્વારા મળતી વિગતો અનુસાર, દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ કરવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રીમતી પરીક્ષિતા રાઠોડ તથા વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને થરાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.આર. ભરાઈ તથા થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.જી. રબારીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ખોડા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યો હતો.
આ દરમિયાન રાજસ્થાનના સાંચોર તરફથી GJ-01-RW-8628 નંબરની સ્કોર્પિયો ગાડી આવતાં પોલીસ કર્મચારીઓને તે શંકાસ્પદ જણાઈ હતી. જેથી ગાડી રોકવાનો ઇશારો કરવામાં આવ્યો હતો. જોકે, ગાડીના ચાલકે ગાડી રોકવાને બદલે પૂરઝડપે હંકારી ચેકપોસ્ટ પરનાં બેરીકેટ તોડી ફરજ પરના પોલીસ કર્મચારીઓ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પોલીસનો આક્ષેપ છે. ત્યારબાદ ગાડીમાંથી નીચે ઊતરી આરોપીઓએ પોલીસ કર્મચારીઓને ગાળો આપી ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
**ત્રણ આરોપીઓ ઝડપાયા, સ્કોર્પિયો સહિત મુદ્દામાલ કબજે**
થરાદ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને હિરેનભાઈ ઉર્ફે હની સગથાભાઈ રાજપૂત, રહે. પીલુડા, તા. થરાદ; કિરણભાઈ બળદેવભાઈ જોષી અને પ્રિન્સભાઈ પ્રકાશભાઈ જોષી, બંને રહે. વામી, તા. થરાદને ઝડપી પાડ્યા છે. પોલીસે ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો ગાડી તથા ત્રણ મોબાઇલ ફોન કબજે કર્યા છે. આ મામલે થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
**એક આરોપી સામે અગાઉ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો**
પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપી હિરેનભાઈ ઉર્ફે હની સગથાભાઈ રાજપૂત સામે અગાઉ થરાદ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 21(B), 22(B) અને 29 હેઠળ ગુનો નોંધાયેલો છે. ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની સુરક્ષાને પડકારતી આ ઘટનામાં થરાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા છે.
**આ કામગીરીમાં જોડાયેલી પોલીસ ટીમ**
આ કામગીરીમાં થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.જી. રબારી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી.કે. ચૌહાણ, પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ રૂપાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ શિવાભાઈ સેંધાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રહલાદભાઈ મગનભાઈ સહિતના પોલીસ કર્મચારીઓ જોડા








