રીપોટર આસીફ લુણાવાડા

મહીસાગર એ.આર.ટી.ઓ. કચેરી દ્વારા ત્રણ જપ્ત કરાયેલા વાહનોની જાહેર હરાજીનું આયોજન
લુણાવાડા ખાતે આગામી ૪ નવેમ્બરે વાહનોનું જાહેર ઓક્શન યોજાશે: ૨૬ ઓક્ટોબરથી વાહનો નિહાળી શકાશે
ઇચ્છુક ઉમેદવારોએ ૩ નવેમ્બર સુધીમાં સીલબંધ કવરમાં બીડ જમા કરાવવાની રહેશે: જાણો હરાજીની સંપૂર્ણ વિગત
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી, લુણાવાડા-મહીસાગર દ્વારા ગુજરાત મોટર વ્હીકલ ટેક્સ એક્ટ-૧૯૫૮ની જોગવાઈઓના ભંગ બદલ જપ્ત કરવામાં આવેલા ત્રણ મોટર વાહનોની જાહેર હરાજી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ હરાજી આગામી તારીખ ૦૪ નવેમ્બર ૨૦૨૬ના રોજ બપોરના ૦૩:૩૦ કલાકે લુણાવાડા ખાતે આવેલી એ.આર.ટી.ઓ. કચેરીના પટાંગણમાં યોજાશે. આ તમામ વાહનો “જેમ છે જ્યાં છે” અને “જે સ્થિતિમાં છે” તે ધોરણે ટુ-બીડ સિસ્ટમ એટલે કે ટેકનિકલ અને પ્રાઇઝ બીડ દ્વારા સીલબંધ કવરમાં હરાજીથી વેચવામાં આવશે.
હરાજીમાં સામેલ વાહનોની વિગતો આપતા કચેરીએ જણાવ્યું છે કે, તેમાં વાહન નંબર જીજે-૩૧-ટી-૦૫૩૦ જેની અપસેટ કિંમત રૂપિયા એક લાખ નક્કી કરાઈ છે, વાહન નંબર જીજે-૦૫-ઝેડ-૨૨૦૨ જેની અપસેટ કિંમત રૂપિયા ૮૫ હજાર છે અને વાહન નંબર જીજે-૦૭-ટીટી-૬૨૨૧ જેની અપસેટ કિંમત રૂપિયા ૯૫ હજાર નિર્ધારિત કરવામાં આવી છે. હરાજીમાં ભાગ લેવા ઈચ્છતા અરજદારોએ અપસેટ કિંમતના ૧૦ ટકા લેખે અર્નેસ્ટ મની ડિપોઝીટ (EMD) ડિમાન્ડ ડ્રાફ્ટ સ્વરૂપે રજૂ કરવાની રહેશે.
આ હરાજી પ્રક્રિયાના સમયપત્રક મુજબ, રસ ધરાવતા વ્યક્તિઓ તારીખ ૨૬ ઓક્ટોબર ૨૦૨૬ થી ૦૨ નવેમ્બર ૨૦૨૬ દરમિયાન સવારના ૧૧:૦૦ થી સાંજના ૦૬:૦૦ કલાક સુધી કચેરીના કામકાજના દિવસોમાં વાહનોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી શકશે. હરાજી માટેના નિયત કોરા ટેન્ડર ફોર્મ કચેરીની ડી.એ. શાખાના સિનિયર ક્લાર્ક પાસેથી રૂપિયા ૫૦૦ની બિન-રીફંડેબલ ફી ભરીને મેળવી શકાશે. ભરેલા ટેન્ડર ફોર્મ તમામ જરૂરી દસ્તાવેજો સાથે આગામી તારીખ ૦૩ નવેમ્બર ૨૦૨૬ના રોજ સાંજના ૦૫:૦૦ કલાક સુધીમાં કચેરી ખાતે રજીસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી પહોંચતા કરવાના રહેશે.
હરાજીમાં ભાગ લેવા માટે અરજદારે પાન કાર્ડ, આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો અને મતદાર કાર્ડની ઝેરોક્ષ નકલ તેમજ નિયત અનામત રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ બિડાણ કરવાનો રહેશે. સફળ જાહેર થયેલા ખરીદનારને વાહનના વેચાણનો હુકમ બીડ ખૂલ્યાની તારીખથી ત્રણ દિવસમાં આપવામાં આવશે અને ખરીદદારે નક્કી થયેલી રકમ પણ તેટલા જ સમયગાળામાં ભરપાઈ કરવાની રહેશે. આ પ્રક્રિયા અંગે વધુ માહિતી માટે એ.આર.ટી.ઓ. કચેરી મહીસાગર ખાતે ડી.એ. શાખાના રૂમ નંબર-૧ માં સિનિયર ક્લાર્ક આર.એન. રાઠોડનો સંપર્ક કરી શકાશે.
સક્ષમ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ કારણ દર્શાવ્યા વિના હરાજીની પ્રક્રિયા અંશતઃ કે પૂર્ણપણે રદ કરવાનો અધિકાર કચેરી હસ્તક રહેશે. બીડ ખોલતી વખતે ટેન્ડર ભરનાર વ્યક્તિ અથવા પેઢીના પ્રતિનિધિ અધિકૃત ઓથોરિટી લેટર સાથે હાજર રહી શકશે. તમામ પાત્રતા ધરાવતી પાર્ટીઓની ટેકનિકલ બીડની ચકાસણી બાદ તુરંત જ પ્રાઇઝ બીડ ખોલી હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.






