અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ઇસરી – વડથલી નજીક બે મોપેડ અને બે બાઈક પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ; દારૂ-બિયર સહિત રૂ. 3.62 લાખનો મુદ્દામાલ જપ્ત – 5 ઝડપાયા

અરવલ્લી જિલ્લામાં દારૂબંધી વચ્ચે વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વો સામે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વડથલી નજીક LCBએ બે મોપેડ અને બે બાઈક પર વિદેશી દારૂની હેરાફેરી કરતા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂ અને બિયરના ટીન સહિત કુલ રૂ. 3.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.મળતી માહિતી મુજબ, અરવલ્લી LCBના PI એમ.એચ. ઝાલા અને તેમની ટીમ ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાનના કુંડલી ખાતેના દારૂના ઠેકા પરથી કેટલાક શખ્સો બે બાઈક અને બે મોપેડ પર કોથળામાં વિદેશી દારૂ ભરી વડથલીથી હનુમાન કંપા તરફ પસાર થવાના છે.બાતમીના આધારે LCBની ટીમે વડથલી નજીક વોચ ગોઠવી નાકાબંધી કરી હતી. આ દરમિયાન રાજસ્થાન તરફથી બે બાઈક અને બે મોપેડ પર શંકાસ્પદ રીતે આવતા શખ્સોને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, વાહનો પર સવાર શખ્સોએ વાહનો રસ્તા પર મૂકીને ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે પીછો કરી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા.પોલીસે વાહનો પર રાખેલા કોથળામાંથી અંદાજે રૂ. 1.12 લાખનો વિદેશી દારૂ તથા બિયરના 419 ટીન કબજે કર્યા હતા. આ ઉપરાંત બે મોપેડ, બે બાઈક અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો
ઝડપાયેલા પાંચ આરોપીઓનાં નામ
લવકુશ નન્નુ સરોજ — રહે. ખમ્હા, ઉત્તર પ્રદેશ
ગોરધન સનસિંહ સોલંકી — રહે. ધોમ, સાઠંબા
સાગર સુરેશ પટેલ — રહે. હાથીગવા, ઉત્તર પ્રદેશ
અજય ફૂલા ઠાકોર — રહે. લીમ્બરવાડા, મહીસાગર
મિથુન શ્રીરામનરેશ પટેલ — રહે. પલપ, ઉત્તર પ્રદેશ
બે આરોપીઓ વોન્ટેડ
આ કેસમાં પોલીસે ગણપત વાલમ ઠાકોર (રહે. લીમ્બરવાડા, મહીસાગર) અને રાજસ્થાનના કુંડલી ખાતેના દારૂના ઠેકા પર બેસતા એક અજાણ્યા વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા હોવાનું જણાવાયું છે. બંનેને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આમ, અરવલ્લી LCBની કાર્યવાહીથી બે મોપેડ અને બે બાઈક મારફતે થતી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. સમગ્ર મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.







