અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં ૧૩ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મનો આક્ષેપ -છ માસનો ગર્ભ હોવાનું સામે આવતાં પરિવારજનોમાં ચકચાર
બકરાં ચરાવવા ગયેલી સગીરાને એકલતાનો લાભ લઈ યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ, છ માસનો ગર્ભ હોવાનું સામે આવતાં પરિવારજનોમાં ચકચાર
મેઘરજ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ૧૩ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. બકરાં ચરાવવા ગયેલી સગીરા સાથે ૨૦ વર્ષીય યુવકે એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ થયો છે. આ ઘટના અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી સગીરાને ડરાવી હોવાનુ પણ સામે આવ્યુ છે.પ્રાપ્ત વિગતો મુજબ, સગીરા ગામના જંગલ વિસ્તારમાં બકરાં ચરાવવા ગઈ હતી તે દરમિયાન આરોપી યુવકે તેની એકલતાનો લાભ લઈ તેની સાથે બળજબરી પુર્વક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આરોપીએ સગીરાને ધમકી આપી હતી. આરોપી દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.
દરમિયાન એક દિવસ સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં પરિવારજનો તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબી તપાસ દરમિયાન સગીરા છ માસની ગર્ભવતી હોવાનું જાણવા મળતાં પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હતું.આ સમગ્ર મામલે સગીરાના પિતાએ આરોપી યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.







