એહવાલ મકવાણા માધવ 

બિનઅધિકૃત ક્વાર્ટઝ ખનીજના ખનન અને વહન સામે સંયુક્ત ટીમની કાર્યવાહી, દંડકીય કાર્યવાહી હાથ ધરાઈ
સિંગવડ, દાહોદ: દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ચુંદડી ગામે ખાણ-ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતાં ખનીજ વહનના મામલે ચકચાર મચી ગઈ છે. બાતમીના આધારે દાહોદ જિલ્લા ખાણ-ખનીજ વિભાગ, સિંગવડ મામલતદાર કચેરી અને પોલીસ પ્રશાસનની સંયુક્ત ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ક્વાર્ટઝ ખનીજના બિનઅધિકૃત ખનન અને વહનના મામલે ખનીજ ભરેલી પાંચ ટ્રકો અને એક JCB મશીન સહિત આશરે ₹40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો હતો.
બાતમીના આધારે સંયુક્ત ટીમની કાર્યવાહી
મળતી માહિતી મુજબ, ચુંદડી ગામે ખનીજના બિનઅધિકૃત ખનન અને વહન અંગે બાતમી મળતાં સંબંધિત વિભાગોના અધિકારીઓ સક્રિય બન્યા હતા. ત્યારબાદ ખાણ-ખનીજ વિભાગ, સિંગવડ મામલતદાર અને પોલીસ પ્રશાસનની સંયુક્ત ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન સફેદ પથ્થર એટલે કે ક્વાર્ટઝ ખનીજ ભરેલી પાંચ ટ્રકો મળી આવી હતી. આ ઉપરાંત ખનન કામગીરીમાં ઉપયોગમાં લેવાતું એક JCB મશીન પણ કાર્યવાહી હેઠળ લેવામાં આવ્યું હતું. અધિકારીઓએ પાંચેય ટ્રકો અને JCB મશીનને સીઝ કરી કાયદેસરની દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી.
આશરે ₹40 લાખનો મુદ્દામાલ જપ્ત
આ સમગ્ર કાર્યવાહીમાં આશરે ₹40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ખનીજનું ખનન અને વહન કરવા માટે જરૂરી પરવાનગીઓ લેવામાં આવી હતી કે નહીં, તે સહિતના મુદ્દાઓ અંગે સંબંધિત વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખનીજ માફિયાઓમાં ફફડાટ, સમગ્ર પંથકમાં ચર્ચા
ચુંદડી ગામે ખાણ-ખનીજ વિભાગની આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે. ખનીજના બિનઅધિકૃત ખનન અને વહન સામે તંત્રની કાર્યવાહીથી આવા વ્યવહારો પર અંકુશ આવશે કે કેમ, તે જોવું રહ્યું. હવે આ મામલે તપાસ દરમિયાન વધુ વિગતો સામે આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.









