તારીખ ૨૬/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ભૂખી નજીક આવેલ સડકા ગામમાં ગઈકાલે ખેતરમાં 9 ફૂટ લાંબો મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ભારે ફફડાટનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, સડકા ગામના ખેડૂત દિલીપસિંહ રતનસિંહ જાડવ ના ખેતરમાં આ વિશાળ અજગર દેખાયો હતો. અજગરને જોતા જ ખેતરમાં કામ કરતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારે આ અંગે ગામના એક જાગૃત નાગરિકે તાત્કાલિક જાણીતા જીવદયા પ્રેમી તુષારભાઈ પટેલ ને જાણ કરી હતી. જાણ થતાં જ તુષારભાઈ ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી ગયા હતા.ત્યારબાદ ગ્રામજનોની મદદથી ભારે જહેમત બાદ તુષારભાઈએ અત્યંત સાવધાનીપૂર્વક આ 9 ફૂટ લાંબા અજગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો અને વેજલપુર ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો.બાદમાં વેજલપુર ફોરેસ્ટ વિભાગ અને જીવદયા પ્રેમી તુષારભાઈ પટેલ દ્વારા આ અજગરને સુરક્ષિત રીતે ખુલ્લા જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો. જ્યાં આ સમગ્ર કામગીરી બદલ ગામલોકો અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ તુષારભાઈ પટેલની જીવદયાની ભાવનાને બિરદાવી હતી.











