વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
ચોમાસાનાં વરસાદમાં વ્યાપક ધોવાણથી બાંધકામને નુકસાન થયાનો આક્ષેપ, વિજિલન્સ તપાસની સ્થાનિકોની માંગ..
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલી લીંગા ગ્રામ પંચાયત હેઠળના ખડકવહળી ગામે નાણાપંચની ગ્રાન્ટમાંથી લાખો રૂપિયાના ખર્ચે સ્મશાનભૂમિ તથા માટીના ડેમ તરફ જવાના માર્ગ પર બનાવવામાં આવેલાં બે નાળા બિડાણની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, નબળી બાંધકામ કામગીરીને કારણે ગત ચોમાસા દરમિયાન થયેલા વરસાદમાં બંને સ્થળોએ વ્યાપક ધોવાણ થતાં બાંધકામને નુકસાન થયું છે. પરિણામે, ગ્રામજનોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર,આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ખડકવહળી ગામે સ્મશાનભૂમિ અને માટીના ડેમ વિસ્તારને જોડતા માર્ગ પર નાણાપંચની યોજના હેઠળ લાખો રૂપિયાના ખર્ચે નાળાં બિડાણ બનાવવામાં આવ્યાં હતાં. જોકે, બાંધકામની ગુણવત્તા સામે સ્થાનિકો દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. ચોમાસાના વરસાદમાં જ નાળાની આસપાસનું ધોવાણ થતાં બાંધકામની કામગીરી અને તેની ગુણવત્તા અંગે તપાસ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.ખાસ કરીને સ્મશાનભૂમિ તરફ જવાના માર્ગ પર થયેલા ધોવાણને કારણે અંતિમયાત્રા દરમિયાન ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાની રજૂઆત કરવામાં આવી રહી છે. જાહેર નાણાંમાંથી કરવામાં આવતાં વિકાસકામો લાંબા સમય સુધી ટકી રહે અને ગ્રામજનોને તેનો યોગ્ય લાભ મળે તે માટે બાંધકામની ગુણવત્તા જાળવવી અત્યંત જરૂરી છે.ડાંગ જિલ્લો આદિવાસી બહુલ વિસ્તાર હોવાથી અહીંના ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ નાણાં ફાળવવામાં આવે છે. તેમ છતા, જો સરકારી ગ્રાન્ટમાંથી કરવામાં આવતાં વિકાસકામો નબળી ગુણવત્તાવાળાં બને અને ટૂંકા ગાળામાં જ નુકસાન પામે, તો જાહેર નાણાંના યોગ્ય ઉપયોગ સામે પ્રશ્નો ઊભા થાય છે.ખડકવહળી ગામની આ સ્થિતિએ પણ સરકારી યોજનાઓ હેઠળ થતાં બાંધકામોની ગુણવત્તા અને દેખરેખની કામગીરી અંગે ચર્ચા જગાવી છે.આ બાબતે વિજિલન્સ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.ખડકવહળી ગામે નાણાપંચની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલાં બંને નાળાં બિડાણની કામગીરીની તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યુ છે, બાંધકામમાં વપરાયેલ સામગ્રીની ગુણવત્તા તથા કામગીરીના ખર્ચની ચકાસણી કરવામાં આવે અને જવાબદાર તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. જો તપાસ દરમિયાન ગેરરીતિ કે બેદરકારી જણાય, તો જવાબદાર વ્યક્તિઓ સામે નિયમોનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તથા જરૂરી સમારકામ કરાવી ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.હવે જોવાનું એ રહેશે કે સંબંધિત તંત્ર આ સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરી જાહેર નાણાના યોગ્ય ઉપયોગની ખાતરી આપે છે કે કેમ તે જોવુ જ રહયુ..









