MORBI:મોરબી જિલ્લામાં ગૌચર અને સરકારી જમીનો પર વ્યાપક દબાણો: મુખ્યમંત્રીના કડક આદેશ છતાં સ્થાનિક તંત્ર કેમ નિષ્ક્રિય?

મોરબી જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં ઊંડાણપૂર્વક તપાસ થાય તો મોટા પાયે ગૌચર ખુલ્લા થાય તેવી સ્થિતિ; સરપંચ અને તલાટી સામે કાર્યવાહી થશે કે કેમ તે અંગે ઊઠતા સવાલો
મોરબી:રાજ્ય સરકાર દ્વારા ગૌચર અને સરકારી ખરાબાની જમીનો પરથી ગેરકાયદે દબાણો દૂર કરવા માટે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ સૂચના આપી છે કે જો સરપંચો દબાણ હટાવવાની કામગીરીમાં નિષ્ક્રિય રહે તો તેમની સામે સીધા શિક્ષાત્મક પગલાં ભરવા. તેમ છતાં મોરબી તાલુકાના વનાળીયા ગામમાં પરિસ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે, જ્યાં તંત્રની ઉદાસીનતાને કારણે દબાણકારો બેફામ બન્યા છે.

સ્થાનિક સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, વનાળીયા ગામમાં સરકારી ખરાબા અને ગૌચરની જમીનો પર બેરોકટોક મોટા પાયે દબાણો ખડકાઈ ગયા છે. ગામમાં પશુઓ માટે ચરિયાણ કે અન્ય સાર્વજનિક ઉપયોગ માટે સરકારી જમીન ભાગ્યે જ બચી હોવાના ગંભીર આક્ષેપો ઊઠી રહ્યા છે.
આ સમગ્ર મામલે હવે મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટરની ભૂમિકા સામે પણ સવાલો ખડા થયા છે. મુખ્યમંત્રીના કડક આદેશનું પાલન કરાવીને મોરબી કલેક્ટર વનાળીયા ગામના સરપંચ તથા તલાટી કમ મંત્રી સામે તપાસના આદેશ આપી કાયદેસરની કાર્યવાહી કરશે, કે પછી સરકારના પરિપત્રો માત્ર કાગળ પર જ સીમિત રહેશે, તે અંગે ભારે ચર્ચા જાગી છે.
સ્થાનિક વર્તુળોનું માનવું છે કે, આ સમસ્યા માત્ર વનાળીયા પૂરતી સીમિત નથી. જો મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ ગામડાઓમાં ઉચ્ચ સ્તરીય સ્થળ તપાસ હાથ ધરવામાં આવે, તો મોટાભાગના ગામોમાં કિંમતી ગૌચર અને સરકારી ખરાબાની જમીનો ખુલ્લી થાય તેમ છે અને અનેક સરપંચો તેમજ તલાટીઓ સામે કાર્યવાહી થાય તેવી સ્થિતિ છે. હવે મોરબી જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે ક્યારે લાલ આંખ કરે છે અને ગૌચર મુક્ત કરાવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.













