નર્મદા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ ઓક્ટોબરે સાંજે નર્મદા મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા ₹15.10 કરોડના ખર્ચે શૂલપાણેશ્વર નર્મદા ઘાટનું અપગ્રેડેશન અને વિકાસ
રાજપીપળા : જુનેદ ખત્રી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 30 ઓક્ટોબર, 2026 ની સાંજે એકતાનગર પહોંચશે. અહીં તેઓ નર્મદા ઘાટ ખાતે યોજાતી નર્મદા આરતીમાં ઉપસ્થિત રહેશે.ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા ₹15.10 કરોડના ખર્ચે શૂલપાણેશ્વર નર્મદા ઘાટને અપગ્રેડ કરવામાં આવ્યો છે.

શૂલપાણેશ્વર નર્મદા ઘાટનો વિસ્તાર વધારીને તેની સુવિધાઓનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે, જેનાથી હવે પ્રવાસીઓને આરતી અને ધાર્મિક વિધિઓ માટે તેમજ શ્રદ્ધાળુઓના મેળાવડાઓ આયોજિત કરવા માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટમાં ઘાટનું વિસ્તરણ, સુલભ અવરજવર માટેની સુવિધાઓમાં વધારો, નદીકાંઠાનું સંરક્ષણ તથા લાલ રેતીના પથ્થરો, ભીંતચિત્રો અને શિલ્પો થકી ઘાટના સૌંદર્યીકરણનો સમાવેશ થાય છે. ભક્તો અને પ્રવાસીઓ માટે હવે નર્મદા નદીનો ઘાટ વધુ આકર્ષક અને આધ્યાત્મિક અનુભૂતિ કરાવતું સ્થળ બનશે.

*નર્મદા ઘાટના અપગ્રેડેશનની પ્રમુખ વિશેષતાઓ*
*ક્ષમતામાં વધારો:* મુલાકાતીઓની ક્ષમતા 4,000થી વધારીને 6,000 કરવામાં આવી છે, જેમાં આશરે 2,000 લોકો માટે બેઠકની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
*ઘાટનું વિસ્તરણ:* નદીકાંઠે પગથિયાંવાળા ઘાટ અને સમૂહમાં એકત્ર થવા માટેની જગ્યામાં વધારો કરવા ઉપરવાસ તરફ 31 મીટર × 47 મીટર અને કિનારા તરફ 95 મીટર × 10.5 મીટરનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.
*સુલભતામાં વધારો:* એકતા નર્સરી ગેટ મારફતે 190 મીટર લાંબો તમામ ઋતુઓમાં અનુકૂળ એવો એપ્રોચ રોડ વિકસિત કરવામાં આવ્યો છે, જેથી વાહનોની તેમજ યાત્રાળુઓની સુવ્યવસ્થિત અવરજવર સુનિશ્ચિત થઈ શકે.
*આરતી માટે સમર્પિત વિસ્તાર:* નિયમિત સાંજની આરતી અને આધ્યાત્મિક ધાર્મિક વિધિઓ માટે લોકોને એકત્રિત થવા માટેનું સુવ્યવસ્થિત પ્રાંગણ અને ખુલ્લા રંગમંચ જેવી બેઠક વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
*સૌંદર્યીકરણ અને સ્ટોનવર્ક (પથ્થરકામ):* સ્થળની સુંદરતા વધારવા અને યાત્રાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે લાલ રેતીના પથ્થરોનું બાહ્ય આવરણ, કોતરણીયુક્ત રેલિંગ તેમજ ટકાઉ અને લપસી ન જવાય તેવી ફર્શ બનાવવામાં આવી છે.
*ભીંતચિત્રો અને શિલ્પો:* એકતા નર્સરી ગેટથી ઘાટ તરફના માર્ગ પર સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિષયવસ્તુ ધરાવતા ભીંતચિત્રો તૈયાર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત, BLW અને NEZCCના સહયોગથી સ્થાપિત ભગવાન શિવની વિરાટ પ્રતિમા માટે જરૂરી આધારપીઠ સંબંધિત સિવિલ કામગીરી પણ કરવામાં આવી છે.
*નદીકાંઠાનું સંરક્ષણ:* ચોમાસાના પૂર દરમિયાન કાંઠાની સ્થિરતા વધારવા અને ધોવાણ અટકાવવા માટે એન્જિનિયર્ડ આરસીસી રિટેનિંગ સ્ટ્રક્ચર્સ તથા નદીના પ્રવાહને નિયંત્રિત અને દિશામાન કરતી આનુષંગિક કામગીરી કરવામાં આવી છે.
*નર્મદા ઘાટના અપગ્રેડેશનથી થનારા લાભો*
*યાત્રાળુઓ માટે વધુ સુવિધા:* દૈનિક આરતી, ધાર્મિક વિધિઓ અને મોટા તહેવારો દરમિયાન એકત્રિત થતા વધુ ભક્તોને સુરક્ષિત રીતે સમાવી શકાય તેવી વ્યવસ્થા ઉપલબ્ધ થશે.
*અવરજવર અને પહોંચમાં સુધારો:* રિવરફ્રન્ટ પર વાહનવ્યવહારની અવરજવર, ભીડનું વિખરાવું અને રાહદારીઓ માટે અવરોધમુક્ત પ્રવેશની સુવિધામાં વધારો થશે.
*યાત્રાધામની સુવિધાઓનો વિકાસ:* પ્રાર્થના, ધાર્મિક અનુષ્ઠાનો, પવિત્ર સ્નાન અને યાત્રાળુઓના મેળાવડાઓ માટે વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
*આધ્યાત્મિક વાતાવરણની વૃદ્ધિ:* કુદરતી લાલ રેતીના પથ્થરની સ્થાપત્યશૈલી, ભીંતચિત્રો અને વિશિષ્ટ શિલ્પો દ્વારા સ્થળની આધ્યાત્મિક ઓળખ અને આકર્ષણમાં વધારો થશે.
*લાંબા ગાળાનું ટકાઉપણું:* નદીકાંઠાને વધુ મજબૂત બનાવી ધોવાણ અટકાવવામાં આવશે તથા નદીના પ્રવાહની અસર સામે બાંધકામની મજબૂતી અને લાંબા ગાળાનું ટકાઉપણું સુનિશ્ચિત થશે.
*પર્યટન સ્થળ તરીકેનો પ્રભાવ:* એકતા નગર અગ્રણી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પર્યટનના સ્થળ તરીકે વધુ મજબૂત બનશે, જેના પરિણામે સ્થાનિક લોકો માટે આજીવિકાની નવી તકોનું સર્જન થશે










