દક્ષિણ ગુજરાત સમસ્ત આદિવાસી સમાજે સરકાર સમક્ષ રજૂઆત કરી; શાળા-કોલેજોમાં નાણાકીય જાગૃતિ કાર્યક્રમો યોજવા માંગ


વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં યુવાનોમાં વધતી બેરોજગારી, નાણાકીય અજાગૃતિ અને EMI સહિતની ધિરાણ સુવિધાઓને કારણે ઊભી થતી આર્થિક મુશ્કેલીઓના નિવારણ માટે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ગુજરાત સરકાર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત સમસ્ત આદિવાસી સમાજના કન્વીનર ડો. નિરવ પટેલે રાજ્ય સરકારના આદિવાસી વિકાસ વિભાગના સચિવને પત્ર લખીને આદિવાસી યુવાનો માટે નાણાકીય જાગૃતિ, રોજગાર માર્ગદર્શન અને ડિજિટલ ધિરાણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, આદિવાસી વિસ્તારોમાં અનેક પરિવારો મર્યાદિત આવક હોવા છતાં પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે પ્રયત્નશીલ છે. બીજી તરફ, નિયમિત આવક કે રોજગાર ન ધરાવતા કેટલાક યુવાનો સ્માર્ટફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદવા માટે EMI તથા ‘Buy Now, Pay Later’ (BNPL) જેવી ધિરાણ સુવિધાઓનો ઉપયોગ કરી રહ્યા છે. ચુકવણી ક્ષમતાનો યોગ્ય અંદાજ લીધા વિના ધિરાણ લેવાને કારણે યુવાનો વ્યાજ, વિલંબ ફી અને ક્રેડિટ સ્કોરને લગતી મુશ્કેલીઓનો સામનો કરી શકે છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાઓ, કોલેજો, ITI અને પોલિટેકનિક સંસ્થાઓમાં લોન, EMI, વ્યાજદર, સમયસર હપ્તા ભરવા તથા ક્રેડિટ સ્કોર અંગે સરળ ભાષામાં નાણાકીય જાગૃતિ કાર્યક્રમો યોજવાની માંગ કરવામાં આવી છે. સાથે જ બેરોજગાર યુવાનોને સરકારી ભરતી, એપ્રેન્ટિસશિપ અને ખાનગી ક્ષેત્રની રોજગારી સાથે જોડવા જિલ્લા કક્ષાએ વિશેષ માર્ગદર્શન કેન્દ્રો શરૂ કરવાની રજૂઆત કરાઈ છે.
વધુમાં, ડિજિટલ ધિરાણ કંપનીઓ લોનની કુલ ચુકવણી, વાર્ષિક વ્યાજદર અને છુપા ચાર્જ અંગે ગ્રાહકોને સ્પષ્ટ માહિતી આપે તે માટે દેખરેખ રાખવા તેમજ ઓનલાઈન ધિરાણના નામે થતી છેતરપિંડી, ધમકી અને ગેરકાયદેસર વસૂલાત સામે યુવાનોને કાનૂની માર્ગદર્શન તથા ફરિયાદની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે.
આદિવાસી વિસ્તારોમાં રોજગારલક્ષી તાલીમ અને સ્વસહાય જૂથો માટે સમયબદ્ધ યોજનાઓ જાહેર કરવા તથા યુવાનોની વાસ્તવિક નાણાકીય સ્થિતિ જાણવા જિલ્લા કક્ષાએ સર્વે હાથ ધરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆતનો મુખ્ય હેતુ આદિવાસી યુવાનોને નાણાકીય મુશ્કેલીઓના ચક્રમાંથી બહાર લાવી તેમને યોગ્ય નાણાકીય સમજણ, રોજગારીની તકો અને આર્થિક સ્વાવલંબન તરફ દોરી જવાનો છે. હવે સરકાર આ મુદ્દે કેવાં પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેશે.









