વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : દિવાળીના તહેવારો દરમિયાન બજારોમાં ખરીદી અર્થે ઉમટતી જનમેદનીને ધ્યાને રાખી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ જળવાઈ રહે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા ૧ નવેમ્બરથી ૧૧ નવેમ્બર સુધી વાહનો માટે પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
શહેરના પંચહાટડી ચોકથી કાળવા ચોક સુધીનો માંગનાથ રોડ તેમજ પંચહાટડી ચોકથી દિવાન ચોક તરફ જતો હવેલીવાળો માર્ગ સાંકડો હોવા ઉપરાંત અહીં કાપડ સહિતની મુખ્ય દુકાનો આવેલી છે, જેથી તહેવારોમાં ભારે ભીડ સર્જાય છે. ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે નીચે મુજબના માર્ગો પર ફોરવ્હીલર, રીક્ષા, સ્કૂટર, સાઇકલ અને હાથલારી સહિતના તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે.
આઝાદ ચોક પોસ્ટ ઓફિસ પાસેથી પંચહાટડી ચોક થઈ દિવાન ચોક તરફ જતા માલીવાડા રોડના નાકા સુધી (બંને તરફ), પંચહાટડી ચોકથી માંગનાથ રોડ (માંગનાથની કમાન સુધી – બંને તરફ), પંચહાટડી ચોકથી ગેબનશાપીર દરગાહ થઈ દાણાપીઠ સુધી (બંને તરફ)
આ ઉપરાંત મોર્ડન ચોકથી એમ.જી. રોડ, ચિતાખાના ચોક સુધી તેમજ દાણાપીઠ વિસ્તારમાં બસ, ટ્રેક્ટર, મેટાડોર જેવા તમામ ભારે અને ભારવાહક વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
આ જાહેરનામું તારીખ ૧/૧૧/૨૦૨૬ થી ૧૧/૧૧/૨૦૨૬ દરમિયાન દરરોજ સવારે ૮:૦૦ વાગ્યાથી રાત્રિના ૧૨:૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે. નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.











