તા.૩૦/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
કેબિનેટ મંત્રીશ્રીએ રાજકોટના ‘સરસ મેળા’ની મુલાકાત લીધી : અન્ય રાજ્યોમાંથી આવેલા કારીગરોએ વિનામૂલ્યે સ્ટોલ મળવા બદલ મંત્રીશ્રીનો આભાર માન્યો
Rajkot: ગ્રામ વિકાસ વિભાગનાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલા ‘સરસ મેળા’ની મુલાકાત લીધી હતી. તેમણે સ્ટોલધારકો સાથે વાતચીત કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

આ તકે મંત્રીશ્રી કુંવરજીભાઈ સરસ મેળામાં ગુજરાત ઉપરાંત દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા કારીગરો અને સ્વસહાય જૂથનાં મહિલાઓને મળ્યાં હતા. તેમણે સ્ટોલ પર રોકાઈને કારીગરો સાથે ઉત્પાદનો કેવી રીતે બનાવો છો? ધંધો પાણી કેવો ચાલે છે? આ સુંદર કલાકારી પાછળ કેટલી મહેનત પડે? કંઈ ચીજોની માંગ વધુ છે? દિવાળીના સમયમાં વકરો કેવો થઈ રહ્યો છે? સહિતની વાતચીત કરી હતી. ત્યારે કારીગરોએ પણ પોતાના હૃદયની વાત મંત્રીશ્રી સમક્ષ ખુલીને મૂકી હતી, તેમજ સ્ટોલધારકોએ વિનામૂલ્યે સ્ટોલ મળવા બદલ મંત્રીશ્રીનો આભાર માન્યો હતો.

સ્ટોલધારકોની કલાની પ્રશંસા કરતાં શ્રી કુંવરજીભાઈએ કહ્યું કે, આપણા દેશના આ પ્રકારનાં કારીગરોએ પરંપરાગત હસ્તકલાને જીવંત રાખી છે, તે ખરેખર ગર્વની વાત છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ મેળાના આયોજન અંગે જરૂરી માર્ગદર્શક સૂચના પણ આપી હતી.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, ઇન્ચાર્જ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પ્રિયંક ગલચર, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ મેનેજર શ્રી વિરેન્દ્રસિંહ બસીયા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.











