તા.૩૦/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
સંકલન : રાજકુમાર
કાઠિયાવાડની ધરતીથી અખંડ ભારતના નિર્માણ સુધી… રાજકોટ સાથે સરદાર પટેલની ઐતિહાસિક સ્મૃતિઓનો અતૂટ નાતો!
રાજકોટ સત્યાગ્રહમાં સરદાર પટેલની ઉપસ્થિતિએ કાઠિયાવાડના સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયાઓમાં નવો જુસ્સો અને સંકલજગાવ્યો હતો.
સરદારના રાષ્ટ્રનિર્માણના યોગદાન અને જીવનમૂલ્યોની ગાથાને જીવંત રાખતું રાજકોટનું સરદાર પટેલ સ્મારક ભવન
બહુમાળી ભવન ચોક ખાતેની સરદાર પટેલની પ્રતિમા આજે પણ વિવિધ રાષ્ટ્ર કાર્યક્રમો અને રેલીઓ માટે પ્રેરણાનું કેન્દ્ર બની
Rajkot: ૩૧મી ઓક્ટોબર એટલે ભારતના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જ દેશની આઝાદીની લડતથી લઈને સ્વતંત્ર ભારતના રાષ્ટ્રનિર્માણ સુધી સરદાર પટેલનું યોગદાન અવિસ્મરણીય અને અતુલનીય રહ્યું છે. દેશી રજવાડાંઓનું એકીકરણ કરીને ભારતને અખંડ રાષ્ટ્રના સ્વરૂપમાં ઘડવામાં તેમણે ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. આ મહાન રાષ્ટ્રપુરુષના જીવનસંઘર્ષ અને રાષ્ટ્રપ્રદાન સાથે રાજકોટ તથા કાઠિયાવાડની ધરતીનો પણ ઐતિહાસિક નાતો જોડાયેલો છે.

વર્ષ ૧૯૩૮ના રાજકોટ સત્યાગ્રહ દરમિયાન સરદાર પટેલની ઉપસ્થિતિએ કાઠિયાવાડના સ્વાતંત્ર્ય સંગ્રામને નવી દિશા અને આંદોલનકારીઓને નવો જુસ્સો આપ્યો હતો. આજે પણ રાજકોટમાં આવેલું સરદાર પટેલ સ્મારક ભવન અને બહુમાળી ભવન ચોક ખાતે સ્થાપિત તેમની પ્રતિમા સરદારના અડગ સંકલ્પ, રાષ્ટ્રીય એકતા અને લોકશાહીનાં મૂલ્યોની સતત યાદ અપાવે છે.


રાજકોટ સત્યાગ્રહમાં સરદાર પટેલનું ઐતિહાસિક યોગદાન
દેશની આઝાદીની લડત માત્ર બ્રિટિશ શાસન સામેનો સંઘર્ષ નહોતો, પરંતુ દેશી રજવાડાંઓમાં પણ પ્રજાકીય અધિકારો, જવાબદાર શાસન અને લોકશાહી મૂલ્યોની સ્થાપના માટેની ચળવળ હતી. કાઠિયાવાડમાં પણ આઝાદીની ચળવળની સાથે પ્રજાકીય અધિકારો માટે વિવિધ આંદોલનો થઈ રહ્યાં હતાં. રાજકોટ રાજ્યમાં વર્ષ ૧૯૩૭થી શરૂ થયેલી રાજકીય જાગૃતિ અને વર્ષ ૧૯૩૮ના રાજકોટ સત્યાગ્રહે આ સંઘર્ષને વધુ વ્યાપક બનાવ્યો હતો.
રાજકોટ રાજ્યમાં પ્રજાના અધિકારો અને જવાબદાર રાજતંત્રની માંગ સાથે આંદોલનકારીઓ મેદાનમાં ઊતર્યા હતા. દરબારગઢ ખાતે પિકેટિંગ, ગોકુલાષ્ટમીના મેળામાં થયેલા વિરોધ પ્રદર્શનો અને આંદોલનકારીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જને કારણે સમગ્ર રાજકોટમાં અસંતોષની લાગણી ફેલાઈ હતી. આંદોલન દરમિયાન અનેક કાર્યકરોની ધરપકડ અને કારાવાસની સજાઓનો સિલસિલો પણ ચાલ્યો હતો.
આવા સંઘર્ષના સમયે સરદાર વલ્લભભાઈ પટેલે રાજકોટના પ્રજાકીય આંદોલનને માર્ગદર્શન આપ્યું હતું તા. ૫ સપ્ટેમ્બર, ૧૯૩૮ના રોજ રાજકોટમાં યોજાયેલી કાઠિયાવાડ રાજકીય પરિષદના અધિવેશનમાં તેમણે પ્રમુખસ્થાનેથી પ્રજાના હિતમાં જવાબદાર શાસન વ્યવસ્થાની માંગને બુલંદ બનાવી હતી. પ્રજાને શાસનમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે, વહીવટમાં લોકભાગીદારી વધે અને પ્રજાના અધિકારોનું રક્ષણ થાય તે માટે સરદાર પટેલે મક્કમ રજૂઆત કરી હતી.
સરદાર પટેલ સ્મારક ભવન : રાષ્ટ્રપુરુષના વિચારો અને વારસાનું જીવંત સ્મારક
ગુજરાતની ધરતી પર જન્મેલા આ મહાન ખેડૂતપુત્રે પોતાની અસાધારણ નેતૃત્વશક્તિ, દૃઢ નિશ્ચય અને રાષ્ટ્રપ્રેમથી સમગ્ર દેશના ઇતિહાસમાં અમીટ સ્થાન મેળવ્યું છે. સરદાર પટેલનું જીવન આવનારી પેઢીઓ માટે પણ પ્રેરણાનું અખૂટ ઝરણું બની રહે તે હેતુથી તેમના સ્મરણને ચિરંજીવી બનાવવા રાજકોટમાં સરદાર પટેલ સ્મારક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય નવલશંકર ઢેબર (ઢેબરભાઈ)ના અધ્યક્ષસ્થાને સરદાર પટેલના યથોચિત સ્મારકના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિના પ્રયાસોના પરિણામે રાજકોટ સહિત ગુજરાતમાં સરદાર પટેલની સ્મૃતિને કાયમી સ્વરૂપ આપવાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરાઈ હતી. રાજકોટમાં વર્ષ ૧૯૭૩માં સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવનનું નિર્માણ થયું હતું.
નવી પેઢીને સરદાર પટેલના જીવન અને કાર્યોનો પરિચય મળે તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસથી તેઓ અવગત થાય તેવા આશયથી અહીં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. સરદાર પટેલના જીવનની મહત્વપૂર્ણ ક્ષણો અને ઐતિહાસિક પ્રસંગોને ઉજાગર કરતી તસવીરોનું પ્રદર્શન અહીં આકાર પામ્યું છે. આ તસવીરો માત્ર ઇતિહાસની ઝાંખી કરાવતી નથી, પરંતુ દેશની આઝાદી માટેના સંઘર્ષ, બલિદાન અને રાષ્ટ્રનિર્માણની ગાથા પણ નવી પેઢી સમક્ષ રજૂ કરે છે.
સરદાર પટેલ સ્મારક ભવનની સાથે જોડાયેલા જોડિયા મકાનમાં શ્રી ગુલાબચંદ તલકચંદ શેઠના અનુદાનથી પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકાલય જ્ઞાન, વાંચન અને વિચારવિમર્શની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતું મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું છે.
અહીં વાચકોને નિયમિત અખબારો અને વિવિધ સામયિકો વિનામૂલ્યે વાંચવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પુસ્તકાલય સાથે ૯ હજારથી વધુ સભ્યો જોડાયેલા છે, જે વાંચનપ્રવૃત્તિ પ્રત્યે લોકોની રૂચિ અને જ્ઞાનપ્રાપ્તિની ભાવનાનું પ્રતિબિંબ છે.
બહુમાળી ભવન ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમા : જાહેર જીવનમાં એકતાની પ્રેરણા
રાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું વિશેષ મહત્વ છે. આ પ્રતિમા માત્ર એક મહાન રાષ્ટ્રપુરુષની સ્મૃતિનું પ્રતીક નથી, પરંતુ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને લોકસેવાના મૂલ્યોની સતત પ્રેરણા આપતું સ્થાન પણ છે
રાજકોટમાં યોજાતા વિવિધ રાષ્ટ્રીય, સામાજિક અને જાહેર કાર્યક્રમો તેમજ રેલીઓનો પ્રારંભ ઘણીવાર આ સ્થળેથી કરવામાં આવે છે. વિવિધ પ્રસંગોએ મહાનુભાવો સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવે છે. સરદારના વિચારો અને આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ પણ આ પ્રસંગોએ વ્યક્ત કરવામાં આવે છે.
રાજકોટની ધરતી સાથે જોડાયેલી તેમની ઐતિહાસિક સ્મૃતિઓ, સરદાર પટેલ સ્મારક ભવન અને બહુમાળી ભવન ચોક ખાતેની તેમની પ્રતિમા આજે પણ આપણને એકતા, સંગઠન અને રાષ્ટ્રસેવાનો સંદેશ આપે છે.
બોક્સ
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ : ગુજરાતની ધરતી પરથી વિશ્વને એકતાનો સંદેશ
સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણના ઐતિહાસિક યોગદાનને વૈશ્વિક ઓળખ અપાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડિયા) ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નિર્માણ કરવામાં આવ્યું છે.
૧૮૨ મીટર ઊંચી આ ભવ્ય પ્રતિમા માત્ર સરદાર પટેલને અર્પિત શ્રદ્ધાંજલિ નથી, પરંતુ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય શક્તિનું વૈશ્વિક પ્રતીક બની છે. સરદાર પટેલે દેશી રજવાડાંઓનું એકીકરણ કરીને જે અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કર્યું હતું, તેની ગૌરવગાથા આજે આ પ્રતિમા થકી સમગ્ર વિશ્વ સમક્ષ પ્રસ્તુત થઈ રહી છે.










