વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ચીખલી પોલીસની કામગીરીથી અસંતોષ વ્યક્ત કરી આખરે જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત
રશિયામાં નોકરી અને રોજગાર અપાવવાની ખાતરીના આધારે ગણદેવીના એક એજન્ટ મારફતે ચીખલી અને વલસાડ પંથકના ચાર યુવકોએ લાખો રૂપિયાની ચુકવણી કરી હોવા છતાં અપેક્ષા મુજબની સુવિધાઓ ન મળ્યાની રજૂઆત સામે આવી છે. આ મામલે અગાઉ ચીખલી પોલીસ સ્ટેશનમાં અરજી કરવા છતાં કાર્યવાહી અંગે સંતોષ ન થતાં આખરે ભોગ બનનાર યુવકોએ નવસારી જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, ગણદેવીના રહેવાસી કૃણાલ રાણા મારફતે અલ્પેશભાઈ નાનુભાઈ પટેલ, જીગ્નેશકુમાર મોરારજીભાઈ પટેલ, સન્નીકુમાર રમણભાઈ પટેલ અને શૈલેષભાઈ ગમનભાઈ પટેલે રશિયા જવાની પ્રક્રિયા હાથ ધરી હતી. રશિયામાં સારી નોકરી અને રોજગારની વ્યવસ્થા કરી આપવાની ખાતરીના આધારે ચારેય યુવકોએ અલગ-અલગ તબક્કે અંદાજે રૂ. 2.60 લાખ રોકડા ઉપરાંત ડોલરમાં પણ નાણાં ચૂકવ્યા હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
યુવકોના જણાવ્યા મુજબ, રશિયા પહોંચ્યા બાદ રહેવા, જમવા અને રોજગારની અપેક્ષિત વ્યવસ્થા ઉપલબ્ધ થઈ નહોતી. પરિણામે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને અંતે પરત ફરવું પડ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં ખર્ચાયેલા નાણાંને કારણે યુવકોના પરિવારો પર આર્થિક બોજ વધ્યો હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.
વધુમાં યુવકોએ જણાવ્યું છે કે સંબંધિત એજન્ટની ઓફિસ હાલ બંધ છે અને તેમનો સંપર્ક કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આ અંગે અગાઉ તા. 08/09/2025ના રોજ ચીખલી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરવામાં આવી હતી. જોકે, લાંબા સમય બાદ પણ કાર્યવાહી અંગે સંતોષ ન થતાં યુવકોએ ચીખલી પોલીસની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો છે.
આથી ચારેય અરજદારોએ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સહિત રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, રાજ્ય પોલીસ વડા, સુરત રેન્જ આઈજી અને જિલ્લા કલેક્ટરને રજૂઆતની નકલો મોકલી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવવા, ફરિયાદના આધારે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા તથા ચૂકવેલા નાણાં પરત મેળવવા માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે.
આ મામલે તીઘરા ગામના સામાજિક આગેવાન મુકેશ પટેલે પણ પીડિત યુવકોની રજૂઆતને સમર્થન આપી પોલીસ તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને ભોગ બનનાર પરિવારોને ન્યાય મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.હવે જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ આ રજૂઆતને પગલે શું કાર્યવાહી કરે છે તેના પર ચારેય યુવકો અને તેમના પરિવારોની નજર મંડાઈ છે.









