31 ઓક્ટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

વડાપ્રધાનશ્રીના હસ્તે બનાસકાંઠા જિલ્લાને ૧૪૨ આધુનિક આંગણવાડી કેન્દ્રોની ભેટ: ૧૩૮ કેન્દ્રોનું ઈ-ખાતમુહૂર્ત અને ૪નું ઈ-લોકાર્પણ કરાયું.
‘બિલ્ડિંગ એઝ લર્નિંગ એઇડ’ (BALA) ના નવતર અભિગમ સાથે ગુજરાતમાં ચાઇલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડીઓ કાર્યરત: ૪ લાખથી વધુ લાભાર્થીઓને મળશે સીધો લાભ.બાળકોના સર્વાંગી વિકાસ, માતૃસ્વાસ્થ્ય અને કિશોરીઓના પોષણને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી રાજ્યવ્યાપી મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત ₹૭૫૦ કરોડના ખર્ચે ૪,૩૦૦થી વધુ ચાઇલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક કાર્યક્રમ અંતર્ગત ૪,૦૦૦થી વધુ નવીન આંગણવાડી કેન્દ્રોના નિર્માણ માટે ઈ-ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું, જ્યારે સંપૂર્ણ સુવિધાઓ સાથે તૈયાર થયેલાં ૩૦૦થી વધુ આધુનિક આંગણવાડી કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કરી જનતાને સમર્પિત કરવામાં આવ્યા હતા.આ પહેલથી રાજ્યના અંદાજે ચાર લાખ જેટલા લાભાર્થીઓને પ્રત્યક્ષ લાભ મળશે. જેમાં ત્રણ લાખ જેટલાં ભૂલકાંઓ, ૮૦ હજાર કિશોરીઓ તથા ૩૫ હજાર સગર્ભા અને ધાત્રી માતાઓનો સમાવેશ થાય છે. આ આંગણવાડીઓ બાળકોના પ્રારંભિક જીવનમાં ઉત્તમ પોષણ, આરોગ્ય અને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવામાં નિર્ણાયક સાબિત થશે.આ કાર્યક્રમ અંતર્ગત સરહદી બનાસકાંઠા જિલ્લાને પણ આંગણવાડી ક્ષેત્રે વિશાળ ભેટ સાંપડી છે. વડાપ્રધાનશ્રી દ્વારા બનાસકાંઠા જિલ્લાના ૧૩૮ નવીન આંગણવાડી કેન્દ્રોનું ઈ-ખાતમુહૂર્ત અને ૪ પૂર્ણ થયેલાં આંગણવાડી કેન્દ્રોનું ઈ-લોકાર્પણ મળીને કુલ ૧૪૨ ચાઇલ્ડ-ફ્રેન્ડલી કેન્દ્રોની ભેટ મળી છે. જિલ્લા વહીવટીતંત્ર અને ICDS શાખાના સંકલનથી નિર્માણ પામનારા આ નવા કેન્દ્રોના લીધે ગ્રામીણ વિસ્તારોના બાળકોને પાયાની ભૌતિક સુવિધાઓથી સજ્જ સુરક્ષિત અને સંસ્કારયુક્ત વાતાવરણ ઉપલબ્ધ થશે, જેનાથી બાળકોના પોષણ સ્તર અને પ્રારંભિક શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન આવશે.નવા નિર્માણ પામેલાં આ તમામ કેન્દ્રો બાળકોને અનુકૂળ વાતાવરણ, શુદ્ધ પેયજળ, વીજળી, ચાઇલ્ડ-ફ્રેન્ડલી ફર્નિચર, ડિજિટલ શિક્ષણ, LED સ્માર્ટ ટીવી અને પોષણ વાટિકા જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ કરાયા છે. વિશેષ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ બાળકોની સુગમતા માટે રેમ્પ અને હેન્ડરેઇલની વિશેષ વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. આંગણવાડીનું સમગ્ર મકાન પોતે જ શિક્ષણનું સાધન બને તે માટે ‘BALA’ (Building as Learning Aid) સંકલ્પના હેઠળ દીવાલો અને રંગકામને માહિતીપ્રદ શૈક્ષણિક સ્વરૂપ અપાયું છે. બાંધકામની ઉચ્ચ ગુણવત્તા અને સલામતી જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા IIT ગાંધીનગરના ટેકનિકલ સહયોગથી પસંદગીનાં મકાનોનું થર્ડ-પાર્ટી ઇન્સ્પેક્શન પણ હાથ ધરવામાં આવ્યું છે.












