31 ઓકટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ભીલડી ખાતેથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ પી.એમ-કિસાન યોજનાનો ૨૪મો હપ્તો કર્યો અર્પણ: દેશના ૯.૩૪ કરોડ અને ગુજરાતના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂતોને સીધો આર્થિક લાભ
બનાસકાંઠામાં ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરાઈ: ખેડૂતોની જંગી ઉપસ્થિતિ વચ્ચે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન અને સહાય વિતરણ કાર્યક્રમો યોજાયા.બનાસકાંઠાના ૨.૪૮ લાખ ધરતીપુત્રોને ૨૪માં હપ્તા પેટે રૂ.૪૯.૭૯ કરોડની ભેટ મળી.દેશના અન્નદાતાઓના સર્વાંગી ઉત્કર્ષ અને આર્થિક સશક્તિકરણની નેમ સાથે બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ યોજનાના ૨૪મા હપ્તાની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. દેશના નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક રૂ. ૬,૦૦૦ ની આર્થિક સહાય ત્રણ સમાન હપ્તામાં DBT મારફત પૂરી પાડતી આ મહત્વકાંક્ષી યોજના અંતર્ગત રાષ્ટ્રવ્યાપી ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરાઈ હતી. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે દેશભરના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને ₹૧૮,૬૮૦ કરોડથી વધુ તથા ગુજરાતના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને ₹૧,૦૫૧ કરોડથી વધુની રકમ સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી સહાય પહોંચાડવામાં આવી હતી.આ ઐતિહાસિક અવસરે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પણ મોટો આર્થિક લાભ સાંપડ્યો છે. ૨૪મા હપ્તા થકી જિલ્લાના અંદાજે ૨,૪૮,૪૨૪ લાભાર્થી ખેડૂતોના ખાતામાં ₹૪૯.૭૯ કરોડની રકમ સીધી ડી.બી.ટી. મારફત સહાય જમા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ-કિસાન યોજનાના આરંભથી અત્યાર સુધીમાં ચૂકવાયેલા ૧ થી ૨૩ હપ્તાઓ મળીને બનાસકાંઠા જિલ્લાના આશરે ૨,૪૬,૨૨૩ લાભાર્થી ખેડૂતોને કુલ ₹૧,૧૩૨.૬૩ કરોડની માતબર સહાય સફળતાપૂર્વક ચૂકવવામાં આવી ચૂકી છે, જે જિલ્લાના કૃષિ અર્થતંત્ર માટે મજબૂત પીઠબળ સાબિત થઈ છે.’પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા પંચાયતની પ્રત્યેક બેઠક દીઠ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં ગ્રામીણ સ્તરે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં અંદાજે ૩૦,૭૬૬ પુરુષ ખેડૂતો અને ૫,૭૩૯ મહિલા ખેડૂતો મળીને કુલ ૩૬,૫૦૫ જેટલા ધરતીપુત્રો અને પશુપાલકો વિશાળ સંખ્યામાં સહભાગી બન્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ખેડૂતોએ પ્રધાનમંત્રીશ્રીના રાષ્ટ્રજોગ સંબોધન અને રકમ વિતરણના જીવંત પ્રસારણને ઉત્સાહપૂર્વક નિહાળ્યું હતું.આ કાર્યક્રમો માત્ર નાણાકીય સહાય પૂરતા સીમિત ન રહેતાં કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનારાઓ માટે ગૌરવ મંચ બન્યા હતા. જેમાં વિવિધ કૃષિ કલ્યાણકારી યોજનાઓ હેઠળ અંદાજે ૨૭૦ લાભાર્થીઓને સહાય તથા મંજૂરી પત્રોનું સ્થળ પર વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે કૃષિ ક્ષેત્રે નવતર પ્રયોગો કરનારા જિલ્લાના અંદાજે ૨૦૫ જેટલા પ્રગતિશીલ ખેડૂતોનું જાહેર સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીશ્રી દ્વારા પારદર્શક રીતે સીધા ખાતામાં પહોંચાડવામાં આવેલી આ સહાયથી બનાસકાંઠાના ખેડૂત આલમમાં હર્ષ અને કૃતજ્ઞતાની લાગણી વ્યાપી ગઈ છે.












