MORBI: મોરબીના ટીબડી ગામ નજીક વુદ્ધની હ*ત્યા કેસમાં સાત આરોપીઓ ઝડપાયા

ટ્રકની ભાગીદારીના હિસાબ અને પૈસાની લેતીદેતી મામલે સમાધાન કરવાના બહાને હુમલો કરાયો.
કારોના કાચ તોડી, પથ્થરમારો કરી યુવાનને ઇજા પહોંચાડી અને વચ્ચે બચાવવા પડેલા પિતાનું મોત નીપજાવ્યું.
મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તમામ ૭ આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા

મોરબી તાલુકાના જૂની ટીંબડી ગામના પાટિયા નજીક પૈસાની લેતીદેતી અને ટ્રકની ભાગીદારીના મનદુઃખ બાબતે સમાધાન કરવાના મુદ્દે સજ્જડ ઘાત રચીને હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પિતાને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે મોરબી તાલુકા પોલીસે ૭ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તમામ સાતેય આરોપીઓને ઝડપી લીધા છે.
મળતી માહિતી મુજબ, મોરબીના જૂની ટીંબડી ગામના રહેવાસી જીગ્નેશભાઈ ખોડાભાઈ મુલાડિયા (ઉ.વ.૩૭) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૧ ના રોજ સાડા સાતેક વાગ્યે ફરિયાદી જીગ્નેશભાઈ, કૌટુંબિક મામાનો દીકરો અનિલ બારૈયા અને મિત્ર જીવણ રમેશ ધંધુકીયા ટીંબડી પાટિયા તરફ જવા નીકળ્યા હતા. તે દરમિયાન રવિભાઈ વીંઝવાડિયા અને અલ્પેશ ઝીઝરીયા નેક્સન કાર લઈને રસ્તામાં મળતા તેઓ પણ ગાડીમાં બેઠા હતા.
વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે હિરેનને અનિલભાઈ સાથે અગાઉના ટ્રકની ભાગીદારીના પૈસાની લેતીદેતી બાબતે સમાધાન કરવા માટે વિનોદભાઈ, ભરતભાઈ, ભાવેશભાઈ, દશરથભાઈ, હિતેશભાઈ અને સુરેશભાઈ સ્કોર્પીઓ તથા સ્વીફ્ટ કાર લઈને ટીંબડી ગામ તરફ ઊભા છે.

ફરિયાદી અને અન્ય મિત્રો નેક્સન કારમાં ટીંબડી પાટિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે એક સ્વીફ્ટ કાર તેમની આગળ ઊભી રાખી હિતેશ અને ભાવેશે ઉતરીને અનિલ સાથે પૈસાની લેતીદેતી મામલે સમાધાન કરી લેવા ધમકી આપી હતી. ફરિયાદીએ આ બાબતે વચ્ચે પડવાની ના પાડતા આરોપી ભાવેશ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલી ઝપાઝપી કરી ઢીકાપાટું માર માર્યો હતો.
તે જ સમયે સ્કોર્પીઓ કારમાં આવેલ ભરત, દશરથ અને વિનોદ સહિતના શખ્સો ધારિયા અને ધોકા સાથે તૂટી પડ્યા હતા. આરોપીઓએ નેક્સન કાર પર છૂટા પથ્થરોનો ઘા કરી તોડફોડ કરી હતી, જેના કારણે કારના કાચ તૂટતા અંદર બેઠેલા રવિભાઈને નાકના ભાગે ઈજા થઈ હતી.આ હુમલા વચ્ચે ફરિયાદીના પિતા ખોડાભાઈ પુત્રને બચાવવા અને છોડાવવા વચ્ચે પડતા આરોપીઓએ ઉશ્કેરાઈને તેમના કપાળના ભાગે ધારિયાનો ઘા ઝીંકી દીધો હતો. હુમલામાં ગંભીર ઈજા થવાથી ફરિયાદીના પિતા અર્ધબેભાન થઈ જતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
અનિલ બારૈયા અગાઉ હિરેન અને અશોક સાથે ટ્રક ભાગીદારીમાં ખરીદેલ હોય જેમાંથી છૂટા થયા બાદ નાણાકીય લેતીદેતી અને મનદુઃખ ચાલતું હતું. આ બાબતે ઉશ્કેરાઈને ઘાત લગાવીને હુમલો કરનાર આરોપીઓ ભાવેશ પરષોતમ બારૈયા, હિતેશ ધનશ્યામ જેજવાડિયા, સુરેશભાઈ, વિનોદ પરષોતમ બારિયા, ભરત પરષોતમ બરિયા, દશરથ પરષોતમ બારૈયા અને હિરેન ધનશ્યામ જંજવાડિયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને તમામ સાતેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.













