તા.૨/૧૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
હાઈવે પરની હોટેલો, પેટ્રોલ પમ્પો, બિલ્ડિંગો, મંદિરોમાં સીસીટીવી લગાવવાના રહેશે
Rajkot: ત્રાસવાદીઓ/અસામાજિક તત્વોની ગુનાઈત પ્રવૃત્તિઓ અટકાવવાના હેતુથી રાજકોટ જિલ્લામાં ટોલનાકામાંથી પસાર થતા વાહનોની સંપૂર્ણ વિગતોની નોંધ રાખવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જે.એચ.બારોટ દ્વારા જાહેરનામા મારફત હુકમ જારી કરવામાં આવ્યો છે.
જાહેરનામા મુજબ, રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં આવેલા ટોલનાકાઓના મેનેજરો, વહીવટકર્તાઓ તેમજ ટોલનાકા માટે ટોલટેકસ વસુલાત માટે કોન્ટ્રાકટ આપનારા સબંધિત સત્તાધિકારીઓએ ટોલનાકામાંથી પસાર થતાં તેમજ ટોલનાકા સર્વિસ રોડ પરથી પસાર થતાં તમામ વાહનોના નંબર પ્લેટ અને વાહનના ચાલક સ્પષ્ટ રીતે દેખાય, તે રીતે સી.સી.ટી.વી. કેમેરા ગોઠવી, ટોલનાકામાંથી પસાર થતાં વાહનોનું રેકોર્ડીગ તથા વાહનોના રજીસ્ટ્રેશનની સંપૂર્ણ વિગતોની નોંધણી કરવાની રહેશે. જેમાં (૧) રાષ્ટ્રીય ઘોરીમાર્ગ ૮-બી, પોરબંદર-રાજકોટ ઉપલેટા તાલુકાના ડુમીયાણી ગામ પાસે નેશનલ હાઇ-વે ઓથોરીટી ઓફ ઈન્ડિયા (૨) રાષ્ટ્રીય ઘોરીમાર્ગ ૮-બી, પોરબંદર-રાજકોટ જેતપુર તાલુકાના પીઠડીયા ગામ પાસે નેશનલ હાઇ-વે ઓથોરીટી ઓફ ઈન્ડિયા (૩) રાષ્ટ્રીય ઘોરીમાર્ગ ૮-બી, પોરબંદર-રાજકોટ ગોંડલ તાલુકાના ભરૂડી ગામ, પાસે નેશનલ હાઇ-વે ઓથોરીટી ઓફ ઈન્ડિયા (૪) રાજય ધોરીમાર્ગ, રાજકોટ-જામનગર-વાડીનાર પડધરી તાલુકાના વણપરી ગામ પાસે રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ
આ ચાર ટોલનાકાનો સમાવેશ થાય છે. ઉપરાંત નવા ટોલનાકા ઉપસ્થિત કરવામાં આવે તો તેવા ટોલનાકા ઉપર પણ આ હુકમ લાગુ થશે.
ઉપરાંત, રાજકોટ ગ્રામ્યના હાઈવે ઉપરના પેટ્રોલપંપ, હોટલો, સિનેમા હોલ ઉપર તેમજ જિલ્લાના મોટા મંદિરો, સાયબર કાફે, જવેલર્સની દુકાનો અને હોસ્ટેલો ઉપર સ્થાનિક માલિકો/સંચાલકો દ્વારા બિલ્ડીંગની અંદર અને બહાર જાહેર રોડને કવર કરે, તે રીતે સારી કવોલીટીના સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે. આવા સી.સી.ટી.વી. કેમેરા નાઈટ વીઝન તથા હાઈ ડેફીનેશન રાખવા તેમજ કેમેરા પુરતી સંખ્યામાં રાખવા. જેથી, વ્યકિત કે વાહન આઈડેન્ટીફાઈ થઈ શકે. સી.સી.ટી.વી. કેમેરા રાત્રિ દરમિયાન રેકોર્ડીંગ થઈ શકે, તેવી કવોલીટીના રાખવા અને ડીજીટલ રેકોર્ડીંગ તેમજ કોમ્પ્યુટર નોંધણીનો ડેટા બેકઅપ ૨૦ (વીસ) દિવસ સુધી જાળવી રાખનો રહેશે. તેમજ સલામતી વિષયક બાબતો સંભાળતી પોલીસ સહિતની કોઈપણ એજન્સી આવા ડેટાની માંગણી કરે ત્યારે બનતી ત્વરાએ ઉપલબ્ધ કરાવવાનો રહેશે. આ હુકમ રાજકોટ પોલીસ કમિશ્નરેટની હકુમત સિવાયના સમગ્ર રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.











