એન્ટિબાયોટિકનો બિનજરૂરી ઉપયોગ ગંભીર આરોગ્ય પડકાર બની શકે AMR અંગે જાગૃતિ લાવવા જિલ્લા આરોગ્ય શાખાની અપીલ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

“એન્ટિબાયોટિકનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો – દવાઓની અસરકારકતા જાળવો, જીવ બચાવો!”

ભુજ,તા-૦૨ નવેમ્બર : એન્ટિબાયોટિક દવાઓનો બિનજરૂરી અને અયોગ્ય ઉપયોગ ભવિષ્યમાં સામાન્ય ચેપની સારવારને પણ મુશ્કેલ બનાવી શકે છે. આ અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા જિલ્લા પંચાયત, કચ્છ–ભુજની આરોગ્ય શાખા દ્વારા એન્ટિમાઈક્રોબિયલ રેજિસ્ટન્સ (AMR) સામે સાવચેતી રાખવા અને દવાઓનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.એન્ટિમાઈક્રોબિયલ રેજિસ્ટન્સ એટલે કે સૂક્ષ્મજીવોમાં દવાઓ સામે પ્રતિકારક ક્ષમતા વિકસવાની પ્રક્રિયા આરોગ્ય ક્ષેત્રે ગંભીર પડકાર બની રહી છે. દવાઓનો અયોગ્ય અને બિનજરૂરી ઉપયોગ આ સમસ્યાને વધુ વકરાવી શકે છે. પરિણામે ચેપની સારવાર મુશ્કેલ બની શકે છે, સારવારનો સમયગાળો વધી શકે છે અને દર્દીના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે.AMR એટલે શું?

એન્ટિમાઈક્રોબિયલ રેજિસ્ટન્સ (AMR) એવી સ્થિતિ છે, જેમાં બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અથવા પરોપજીવી જેવા સૂક્ષ્મજીવો સામે ઉપયોગમાં લેવાતી દવાઓની અસરકારકતા ઘટી જાય છે.ખાસ કરીને, એન્ટિબાયોટિક દવાઓ બેક્ટેરિયાથી થતા ચેપની સારવાર માટે વપરાય છે, પરંતુ શરદી અને ફ્લૂ જેવી સામાન્ય રીતે વાયરસથી થતી બીમારીઓમાં તે અસરકારક હોતી નથી.તેથી દરેક બીમારીમાં એન્ટિબાયોટિક લેવી જરૂરી નથી. ડૉક્ટરની સલાહ વિના દવા લેવી, પોતાની રીતે દવાનો ડોઝ બદલવો અથવા અન્ય વ્યક્તિની દવાનો ઉપયોગ કરવો આરોગ્ય માટે જોખમી બની શકે છે.AMR અટકાવવા નાગરિકોએ રાખવી જરૂરી કાળજી જિલ્લા આરોગ્ય શાખા દ્વારા નાગરિકોને નીચે મુજબની સાવચેતીઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે:

– ડૉક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક ન લો: પોતાની રીતે દવા શરૂ ન કરો તેમજ અન્ય વ્યક્તિની દવા કે અગાઉથી બચેલી દવાનો ઉપયોગ ન કરો.

– શરદી-ફ્લૂમાં જાતે એન્ટિબાયોટિક ન લો: વાયરસથી થતી બીમારીઓમાં એન્ટિબાયોટિક સામાન્ય રીતે અસર કરતી નથી. યોગ્ય સારવાર માટે તબીબી સલાહ લો.

– દવા સૂચવ્યા મુજબ જ લો: ડૉક્ટરે જણાવેલા ડોઝ અને સમયપત્રકનું પાલન કરો. દવા બંધ કરવી, ડોઝ બદલવો કે સારવારના સમયગાળામાં ફેરફાર કરવો હોય તો ડૉક્ટરની સલાહ લો.

– હાથની સ્વચ્છતા જાળવો: જમતાં પહેલાં, શૌચાલયનો ઉપયોગ કર્યા પછી અને જરૂરી પ્રસંગોએ સાબુથી હાથ ધોવાની ટેવ પાડો.

– રસીકરણ સમયસર કરાવો: રસીકરણ ચેપી રોગોથી બચવા અને એન્ટિબાયોટિકની જરૂરિયાત ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.

– સ્વચ્છ પાણી અને સ્વચ્છતાનું ધ્યાન રાખો: સુરક્ષિત પીવાનું પાણી વાપરો અને ઘરની આસપાસ સ્વચ્છતા જાળવો.

– ખોરાકની સ્વચ્છતા જાળવો: ફળો અને શાકભાજી સારી રીતે ધોઈને વાપરો તથા ખોરાક યોગ્ય રીતે રાંધીને જ આરોગો.

– પશુઓમાં પણ દવાઓનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો: પશુચિકિત્સકની સલાહ વિના પશુઓને એન્ટિબાયોટિક દવાઓ ન આપો.

દવાઓની અસરકારકતા જાળવવી સૌની જવાબદારી એન્ટિબાયોટિક દવાઓ બેક્ટેરિયાથી થતા ચેપની સારવારમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમનો બિનજરૂરી અને અયોગ્ય ઉપયોગ માત્ર વ્યક્તિ પૂરતો મર્યાદિત પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર સમાજના આરોગ્યને અસર કરી શકે છે. ચેપથી બચવા માટે સ્વચ્છતા જાળવવી, સમયસર રસીકરણ કરાવવું અને સુરક્ષિત ખોરાક તથા પાણીનો ઉપયોગ કરવો પણ એટલો જ જરૂરી છે.જિલ્લા આરોગ્ય શાખા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે બીમારી દરમિયાન પોતાની રીતે એન્ટિબાયોટિક દવાઓ ન લે,તબીબી સલાહ મુજબ જ દવાઓનો ઉપયોગ કરે અને પરિવાર તેમજ સમાજમાં પણ એન્ટિબાયોટિકના યોગ્ય ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવે.“યોગ્ય દવા, યોગ્ય સલાહ અને જવાબદારીપૂર્વકનો ઉપયોગ — AMR સામે રક્ષણનો મજબૂત આધાર.”

ચાલો, સૌ સાથે મળીને એન્ટિમાઈક્રોબિયલ રેજિસ્ટન્સ સામે જાગૃતિ ફેલાવીએ અને આવનારી પેઢીઓ માટે એન્ટિબાયોટિક દવાઓની અસરકારકતા જાળવવામાં સહયોગ આપીએ.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો