MORBI:મોરબી દુષ્કર્મ કેસમા: ભાજપ મહિલા કોર્પોરેટરના પતિ શૈલેશ માકાસણની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

પતિની ગંભીર બીમારી અને પરિવારની આર્થિક લાચારીનો ગેરલાભ ઉઠાવીને એક મહિલા સાથે દુષ્કર્મ આચરવા અને તેનું શોષણ કરવાના મામલામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ગંભીર ગુનાને આચર્યા બાદ છેલ્લા બે મહિનાથી પોલીસ પકડથી દૂર રહેલા આરોપીને પકડવામાં સ્થાનિક પોલીસ હજુ સુધી નિષ્ફળ રહી છે જેને લઈને પીડિત પરિવાર અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મોરબીમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ વિરુદ્ધ નોંધાયેલા દુષ્કર્મના ગંભીર કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ગુનાને આચર્યા બાદ છેલ્લા બે મહિનાથી ફરાર ચાલી રહેલા આરોપી શૈલેશ લક્ષ્મણભાઈ માકાસણા દ્વારા મોરબી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આગોતરા જામીન અરજીને અદાલતે ફગાવી દીધી છે. બે મહિનાનો લાંબો સમય વીતવા છતાં પોલીસ હજુ સુધી આરોપીના પત્તો મેળવી શકી નથી.

મોરબી ‘એ’ ડિવીઝન પોલીસ મથકે ભોગ બનનાર મહિલા દ્વારા શૈલેશ માકાસણા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ અનુસાર, ભોગ બનનારના પતિને કેન્સરની ગંભીર બીમારી હોવાથી આરોપીએ તેમને આર્થિક મદદ કરી હતી. ત્યારબાદ આ મજબૂરીનો લાભ લઈને આરોપીએ પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું અને ગર્ભ રહી ગયા બાદ બાળકનો જન્મ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી ઉઠાવવાની ખાતરી આપી હતી.
પરંતુ સમય જતાં આરોપીએ પોતાની જવાબદારી નિભાવવાનો ઇનકાર કરી દેતા, કંટાળીને પીડિતાએ સપ્ટેમ્બર માસમાં મોરબી ‘એ’ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. સપ્ટેમ્બરમાં નોંધાયેલી આ ફરિયાદ બાદ બે મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં સ્થાનિક પોલીસ હજુ સુધી શાસક પક્ષના નેતાના પતિ એવા આ આરોપી સુધી પહોંચી શકી નથી, જેને લઈને લોકમાનસમાં અનેક પ્રકારની ચર્ચા<bos>7 ચાલી રહી છે.
પોલીસ પકડથી બચવા માટે આરોપી શૈલેશ માકાસણાએ મોરબીની એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી. આ અરજી પર બંને પક્ષના વકીલો વચ્ચે ધારદાર દલીલો રજૂ થઈ હતી.
કોર્ટમાં ભોગ બનનારના એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા દ્વારા ખૂબ જ મજબૂત દલીલો રજૂ કરવામાં આવી હતી. બંને પક્ષની વિસ્તૃત દલીલો સાંભળ્યા બાદ અદાલતે પીડિતાના વકીલની દલીલોને માન્ય રાખી હતી અને આરોપી શૈલેશ લક્ષ્મણભાઈ માકાસણાની આગોતરા જામીન અરજી સત્તાવાર રીતે નામંજૂર કરી છે.













