બાબા બાગેશ્વરે ભગવાન શ્રીકૃષ્ણની મજાક ઉડાવતા હોબાળો, ધીરેન્દ્ર શાસ્ત્રીએ હાથ જોડી માફી માંગી

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને લઈને આપવામાં આવેલું વિવાદિત નિવેદન સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં નવો વિવાદ સર્જાયો છે. કરૈરામાં કથા દરમિયાન તેમણે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણની સરખામણી કરી હતી. આ સરખામણી કરતી વખતે તેમણે જે ભાષા અને શબ્દોનો ઉપયોગ કર્યો હતો, તેને લઈને સનાતનીઓ અને યાદવ સમાજમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. વિવાદ વધતાં આઝાદ સમાજ પાર્ટીના નેતા દામોદર યાદવે ધીરેન્દ્ર શાસ્ત્રી સામે નિવેદન આપીને તેમની કથાઓનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે.

કથા દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ હસતાં હસતાં કહ્યું હતું કે, ‘તમે તમારાવાળા ઠાકુરજીનો (ભગવાન કૃષ્ણની) કોઈપણ ફોટો જોઈ લો, તેઓ ઊભા રહે છે તો પણ ત્રણ જગ્યાએથી વાંકા હોય છે.’ તેમણે પોતે ડોક ત્રાંસી કરીને અભિનય કરતા કહ્યું કે, ‘પગ પર પગ, કમર લચકાવીને અને ડોક ત્રાંસી કરીને વાંસળી વગાડી રહ્યા છે. જ્યારે અમારાવાળા (ભગવાન રામ) ઊભા પણ સીધા રહે છે, તેમનું નામ પણ સીધું છે, ચાલ પણ સીધી છે અને દેખાય છે પણ સીધા.’ આ ઉપરાંત તેમણે વૃંદાવન ધામને પણ ત્રાંસું ગણાવ્યું હોવાનો આક્ષેપ છે.

કથાના મંચ પરથી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ભગવાન રામ અને શ્રીકૃષ્ણ વચ્ચે તુલના કરતાં કહ્યું હતું કે, ભગવાન રામનું નામ એકદમ સીધું છે, જ્યારે કૃષ્ણનું નામ વાંકું (ટેઢા) છે. અયોધ્યાનું નામ કેટલું સરળ અને સીધું છે, જ્યારે વૃંદાવનનું નામ અટપટું છે. વાંસળી વગાડવી એ તો રમત છે, પરંતુ ધનુષ્ય ચલાવવું એ કોઈ રમત નથી.

આ નિવેદનો અને ગીતની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ શ્રીકૃષ્ણના ભક્તો અને નેટિઝન્સે તેમના પર સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું હતું અને તેમને જોરદાર ટ્રોલ કરવામાં આવ્યા હતા.

વિરોધનો સૂર તેજ થતાં જ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાથ જોડીને માફી માંગવાની મુદ્રામાં સામે આવ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, એક વાત કહું… ક્યારેક વિનોદ(મજાક)માં અમે કંઈ પણ બોલી જઈએ છીએ. તેનો અર્થનો અનર્થ ન કાઢવો જોઈએ. મારાથી ભૂલ થઈ જ જાય છે. ક્યારેક જોશમાં બોલી જવાય છે તો ક્યારેક ભાવમાં બોલી જવાય છે. મેં જે કહ્યું તે ખોટું હતું અને મારે એવું નહોતું કહેવું જોઈતું. મેં કથામાં કહી દીધું કે કૃષ્ણજી તો વાંકા છે અને રામજી સીધા છે, તો તેમાં શું ખોટું કહ્યું? ઠાકુરજી તો ત્રિભંગી છે જ ને. આ અમે ભક્તિભાવમાં કહ્યું હતું. અમારા પોતાના નામમાં પણ કૃષ્ણ જોડાયેલું છે. જેની સાથે વધારે પ્રેમ હોય તેની સાથે જ આવી લાડ લડાવતી વાતો કરવામાં આવતી હોય છે. હું કોઈ ભગવાન કૃષ્ણનો વિરોધી નથી, હું પોતે ઠાકુરજીનો પરમ ભક્ત છું.

પોતાના નિવેદનનો બચાવ કરવા માટે તેમણે ભક્તિકાળના સાહિત્યનો સંદર્ભ આપ્યો હતો. તેમણે મહાકવિ સૂરદાસનું ઉદાહરણ આપતાં કહ્યું કે સૂરદાસે પણ પોતાના પદોમાં ઠાકુરજી માટે અનોખા ભાવો વ્યક્ત કર્યા છે. ગોપીઓ પણ ભમરાને જોઈને ‘તું પણ કાળો છે’ કહીને કૃષ્ણ સાથે નિર્દોષ વિનોદ કરતી હતી. સંસારમાં રામ અને કૃષ્ણ બંને નામ અત્યંત સુંદર અને વંદનીય છે, તેથી વાતોનો ખોટો અર્થ કાઢવો યોગ્ય નથી.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો